પૃથ્વી પર પાછા ફર્યા પછી સુનિતા અને બેરીને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે?

ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા છે. તેમની સાથે, બેરી વિલ્મોર પણ નવ મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. આ બંનેને લઈને જતું અમેરિકન અવકાશયાન મંગળવારે, યુએસ સમય મુજબ પૃથ્વી પર ઉતર્યું.


અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરીએ 9 મહિના કરતાં પણ વધારે સમય અવકાશમાં પસાર કર્યો. પૃથ્વી પર આવ્યા બાદ તેમના માટે જીવન પહેલા જેવું નહીં હોય, બની શકે કે તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે. આપણે જાણીએ કે કેવી સમસ્યાઓ ઉભી થવાની શક્યતા છે.

ફ્લૂ જેવી સ્થિતિ, ચાલવામાં મુશ્કેલી

અમર ઉજાલા ડોટ.કૉમના અહેવાલ પ્રમાણે નિષ્ણાતોના મતે, સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરની વાપસી બિલકુલ સરળ નહીં હોય. પૃથ્વી પરનું વાતાવરણ ISS પરના વાતાવરણ કરતા ઘણું અલગ છે. વાસ્તવમાં, અવકાશનું વાતાવરણ શૂન્ય ગુરુત્વાકર્ષણનું છે. તેનો અર્થ એ કે અહીં અવકાશયાત્રીઓ એક પગલામાં ઘણા ફૂટનું અંતર કાપે છે. એટલું જ નહીં ઘણા પ્રસંગોએ તેમને કલાકો સુધી સ્પેસશીપ પર પગ મૂકવાની પણ જરૂર નથી પડતી. તેમના પગની ઘન સપાટી પર દબાણ લાવવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને તેમના પગમાં સ્નાયુ સમૂહ ઓછો થઈ જાય છે.

આના કારણે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળની હાજરીને કારણે હવે જ્યારે તેઓ ચાલવાનો પ્રયાસ કરશે, ત્યારે તેમને ઘન સપાટી પર પગ ખસેડવામાં મુશ્કેલી પડશે અને નબળાઈ અનુભવાશે. તેમને તેમના પગલાં પણ નાના લાગશે આ સ્થિતિને ‘બેબી ફીટ’ તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં સુનિતા અને બેરીને પૃથ્વી પર થોડા સમય માટે ચક્કર અને ઉબકાની સમસ્યા આવી શકે છે.

અવકાશયાત્રી ટેરી વર્ટ્સના જણાવ્યા અનુસાર, ISS ના શૂન્ય ગુરુત્વાકર્ષણ વાતાવરણમાંથી પાછા ફર્યા પછી તેમને લાગ્યું કે તેમનું વજન ખૂબ જ ભારે છે. એટલું જ નહીં તેને ચક્કર પણ આવી રહ્યા હતા અને ફ્લૂ જેવા ચેપનો અનુભવ થઈ રહ્યો હતો. ટેરીના મતે, અવકાશથી પાછા ફર્યા પછી શરીરને પૃથ્વીના વાતાવરણમાં સમાયોજિત થવામાં ઓછામાં ઓછો એક અઠવાડિયા જેટલો સમય લાગે છે. એવું માનવામાં આવે છે કે સુનિતા અને બેરીને પૃથ્વીના વાતાવરણમાં સંપૂર્ણપણે સમાયોજિત થવામાં થોડો વધુ સમય લાગી શકે છે.

નબળું હૃદય

ધ ગાર્ડિયન અખબાર અનુસાર, અવકાશયાત્રીઓના હાડકાની ઘનતા અવકાશમાં રહેતી વખતે ઘટે છે, જે ઝડપથી સાજા થતા નથી. આ ઉપરાંત તેમના શરીરમાં માંસ પણ ઓછું હોય છે. આનાથી હાથ અને પગ નબળા પડે છે. તે હૃદયને પણ અસર કરે છે, કારણ કે પૃથ્વી પર હૃદયને રક્ત પ્રવાહ જાળવવા માટે ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કામ કરવું પડે છે, અવકાશમાં શૂન્ય ગુરુત્વાકર્ષણમાં, આ વધારાનું બળ હૃદય પર લાગુ પડતું નથી.

સુનિતા વિલિયમ્સ લાંબા સમયથી અવકાશમાં હોવાથી તેમનું હૃદય હવે શૂન્ય ગુરુત્વાકર્ષણમાં કામ કરવા માટે ટેવાઈ ગયું હોય છે. શરીરના દરેક ભાગમાં લોહી પહોંચાડવા માટે વધારે મહેનત કરવાની જરૂર નથી. હવે જ્યારે તે પૃથ્વી પર પરત ફરશે ત્યારે તેના હૃદયને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ રક્ત પ્રવાહ ઉત્પન્ન કરવો પડશે. આનો અર્થ એ થયો કે તેના નબળા હૃદયને ફરી એકવાર પૃથ્વી અનુસાર શક્તિ બતાવવી પડશે. ક્યારેક આમાં ઘણો સમય લાગે છે અને શરીરના દરેક ભાગમાં લોહીનો પ્રવાહ સમયસર થઈ શકતો નથી. આનાથી અવકાશયાત્રીઓના શરીરમાં લોહી ગંઠાઈ જવાનું જોખમ વધે છે.

મગજ પર અસર

આ ઉપરાંત શૂન્ય ગુરુત્વાકર્ષણ વાતાવરણમાંથી પૃથ્વી પર આવ્યા પછી અવકાશયાત્રીઓના શરીરમાં હાજર પ્રવાહી મગજની આસપાસ એકઠું થવા લાગે છે. આના કારણે તેમને એવું લાગે છે કે તેમને ફ્લૂ છે. ખગોળ ભૌતિકશાસ્ત્રી એલન ડફીના મતે આ પ્રવાહી અવકાશયાત્રીઓની આંખોની કીકીનો આકાર બદલી નાખે છે અને તેમને જોવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પૃથ્વી પર પાછા ફર્યા પછી અવકાશયાત્રીઓને ઘણીવાર ચશ્માની જરૂર પડે છે.