પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ ના એક્ઝિટ પોલ મુજબ મમતા બેનર્જીના ૧૫ વર્ષના શાસનનો અંત આવી શકે છે. ૨૯૪ બેઠકોવાળી વિધાનસભામાં બહુમતી માટે ૧૪૮ બેઠકોની જરૂર છે અને મોટાભાગના એક્ઝિટ પોલ ભાજપને ૧૫૦ થી વધુ બેઠકો આપી રહ્યા છે. PMARQ, MATRIZE અને Poll Diary જેવા સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી દેખાય છે, જ્યારે TMC બહુમતીના આંકડાથી ઘણી દૂર જણાય છે. જોકે, આ માત્ર અંદાજો છે અને અંતિમ પરિણામો ૪ મે ના રોજ જાહેર થશે.

પશ્ચિમ બંગાળમાં આ વખતે ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં ૨૩ એપ્રિલે ૧૫૨ બેઠકો પર અને બીજા તબક્કામાં બુધવારે ૧૪૨ બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. મતદાન પૂર્ણ થતાની સાથે જ વિવિધ એજન્સીઓએ તેમના ડેટા જાહેર કર્યા હતા. PMARQ ના એક્ઝિટ પોલ મુજબ, ભાજપને ૧૫૦ થી ૧૭૫ બેઠકો મળી શકે છે, જે બહુમતીના આંકડા ૧૪૮ થી ઘણી વધારે છે. બીજી તરફ, મમતા બેનર્જીની TMC ૧૧૮ થી ૧૩૮ બેઠકો પર સમેટાઈ શકે છે. આ આંકડાઓ સ્પષ્ટપણે સંકેત આપે છે કે બંગાળની જનતાએ આ વખતે પરિવર્તનનો મિજાજ બનાવ્યો છે.
અન્ય એજન્સીઓના આંકડા પણ ભાજપની તરફેણમાં જણાય રહ્યા છે. MATRIZE ના એક્ઝિટ પોલ મુજબ ભાજપને ૧૪૬ થી ૧૬૧ બેઠકો અને TMC ને ૧૨૫ થી ૧૪૦ બેઠકો મળી શકે છે. Chanakya Strategies પણ ભાજપને ૧૫૦ થી ૧૬૦ બેઠકો આપી રહ્યું છે. સૌથી ચોંકાવનારો આંકડો Praja Polls દ્વારા આપવામાં આવ્યો છે, જેમાં ભાજપને ૧૭૮ થી ૨૦૮ જેટલી જંગી બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે TMC ને માત્ર ૮૫ થી ૧૧૦ બેઠકો મળતી દેખાય છે. Poll Diary ના સર્વે મુજબ ભાજપ ૧૪૨ થી ૧૭૧ બેઠકો જીતી શકે છે. જોકે, People’s Pulse એકમાત્ર એવી એજન્સી છે જે TMC ને ૧૧૭ થી ૧૮૭ બેઠકો આપીને ફરી સત્તામાં આવવાની સંભાવના બતાવી રહી છે.
બંગાળના આ જંગમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો (Left Front) સાવ હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તેવું લાગે છે. મોટાભાગના એક્ઝિટ પોલ આ પક્ષોને શૂન્ય અથવા ૨ થી ૫ બેઠકો આપી રહ્યા છે. JVC ના એક્ઝિટ પોલ મુજબ TMC ને ૧૩૧ થી ૧૫૨ અને ભાજપને ૧૩૮ થી ૧૫૯ બેઠકો મળી શકે છે, જે દર્શાવે છે કે રસાકસીનો જંગ અત્યંત તીવ્ર છે. ૨૦૨૧ ની ચૂંટણીમાં TMC એ ૨૧૫ બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યો હતો અને ભાજપ ૭૭ બેઠકો પર અટકી ગયું હતું. પરંતુ ૨૦૨૬ ના આ એક્ઝિટ પોલ દર્શાવે છે કે ભાજપે ગત વખતની સરખામણીએ જબરદસ્ત ઉછાળો માર્યો છે.
૪ મે ના રોજ જ્યારે મતગણતરી થશે ત્યારે જ ખબર પડશે કે એક્ઝિટ પોલના આ દાવા કેટલા સાચા છે. મમતા બેનર્જી માટે આ અસ્તિત્વની લડાઈ છે, જ્યારે ભાજપ માટે બંગાળ પર વિજય મેળવવો એ એક મોટું સપનું પૂરું થવા સમાન છે. અત્યારે તો સમગ્ર રાજ્યમાં પરિણામોને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ભાજપના નેતાઓ અત્યારથી જ જીતના દાવા કરી રહ્યા છે, જ્યારે TMC એક્ઝિટ પોલના આંકડાઓને ફગાવીને ફરી સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે.




