વાતાવરણમાં પલટો આવતા છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં બોપલ, ઘુમા, એસ.જી.હાઈવે, થલતેજ, સાણંદ સહિત અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ અચાનક વાતાવરણમાં આવેલા પલટાના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં વાવાઝોડાની જેમ તોફાની પવન ફૂંકાયો હતો. શિવરંજની, જોધપુર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ખેડૂતોમાં પણ ચિંતા પ્રવર્તી છે. ત્યારે આજે અમદાવાદ સિવાય ભાવનગર, જામનગર, અમરેલી, બોટાદ સહિતના વિસ્તારમાં વાતાવરણમાં બપોર બાદ પલટો જોવા મળ્યો હતો. અહી ભર ઉનાળાની સિઝનમાં કમોસમી વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ત્યારે ખેડૂતો ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિથી ચિંતામાં મુકાયા છે.
ભાવનગરમાં અડધો કલાકમાં ધોધમાર વરસાદ
મળતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં આજે બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.ભાવનગરમાં અડધો કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ આ ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે કેટલાક વિસ્તારોમાં તો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે.
શહેરના આ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા
ભાવનગરમાં આજે બપોરે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.આ વરસાદને કારણે શહેરના કુંભારવાડા, મોતી તળાવ, સુભાષનગર, ધોધા સર્કલ, શિવાજી સર્કલ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેના કારણે રાહદારી અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.ભાવનગરમાં મહુવા તાલુકાના બગદાણા વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે.
ભારે વરસાદને કારણે રસ્તા પર નદીઓ વહેતી થઈ
શિહોર તાલુકાના સોનગઢ ગામે સાંજે સવા ત્રણથી પોણા ચાર એમ સતત 30 મિનિટ સુધી ધીમીધારે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તા પરથી નદીઓ વહેતી થઈ હોય તેવો દ્રશ્યો સર્જાયા હતા. આમ ભાવનગરમાં બપોર બાદ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.