રાજ્યના 22 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ

અમદાવાદ: રાજ્યમાં મંગળવારે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ હવામાન વિભાગ દ્વારા આજે પણ 22 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદે વિરામ લીધો હોય તેવી સ્થિતિ છે. કેટલાક જિલ્લાઓમાં સામાન્ય છુટોછવાયો વરસાદ જ નોંધાયો છે. 10મી જુલાઈ સુધીમાં રાજ્યમાં સીઝનના સરેરાશ વરસાદના 25 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જેના કારણે રાજ્યમાં 40 લાખ હેકટરમાં વાવેતર પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જયારે વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, ખેડા અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, સોમનાથ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે.રાજ્યમાં તા. 10 જુલાઈની સ્થિતીએ કુલ 223.37 મી.મી. વરસાદ વરસ્યો છે. જે સરેરેશ વરસાદના 25.30% છે. જેમાં 89 તાલુકાઓમાં 51થી 125 મી.મી., 82 તાલુકાઓમાં 126થી 250 મી.મી., 54 તાલુકાઓમાં 251 થી 500 મી.મી. જ્યારે 24 તાલુકાઓમાં 501 થી 1000 મી.મી. વરસાદ નોંધાયો છે. ઝોન વાઈઝ વરસાદની વાત કરવામાં આવે તો કચ્છ ઝોનમાં મોસમનો કુલ 34.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 27.21 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર 17.75 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 16.32 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યનો સિઝનનો એવરેજ 25.30 ટકા વરસાદ નોંધાયો છે.