‘ટેરિફ હોય કે ટ્રેડ વોર’ અમે લડવા માટે તૈયાર છેઃ ટ્રમ્પની ચીનની ધમકી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પે છેડેલા વૈશ્વિક ટેરિફ વોર પછી ચીને કહ્યું હતું કે અમેરિકા ચીની આયાત પર ટેરિફ વધારવા માટે ફેન્ટેનાઇલનો ઉપયોગ એક તુચ્છ કારણસર તરીકે કરી રહ્યું છે. ચીને સ્પષ્ટ રીતે ધમકી આપતાં કહ્યું હતું કે જો અમેરિકા યુદ્ધ ઇચ્છે છે – પછી એ ટેરિફ હોય કે ટ્રેડ વોર બીજિંગ છેવટ સુધી લડવા તૈયાર છે.

અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની કમાન સંભાળી છે ટ્રમ્પની નીતિઓને કારણે હવે અમેરિકા અને ચીન આમને-સામને આવી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ યુદ્ધ શરૂ કર્યું છે. ટ્રમ્પ સરકારે કેનેડા અને મેક્સિકો તેમજ ચીન પર વધારાનું ટેરિફ લાદ્યું છે. અમેરિકાએ ચીનથી આયાત થતાં ઉત્પાદનો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેને કારણે ચીન નારાજ થયું છે અને આ મામલે વળતો જવાબ આપ્યો છે. ચીન અમેરિકાથી આયાત થતા ઉત્પાદનો પર પણ 10થી 15 ટકા ટેરિફ લાદવા જઈ રહ્યું છે.

આ સાથે ડ્રેગને ટ્રમ્પ સરકારને ખુલ્લેઆમ યુદ્ધની ધમકી પણ આપી છે. અમેરિકામાં ચીનના દૂતાવાસે એક નિવેદન જારી કરતાં કહ્યું હતું કે ‘જો અમેરિકા યુદ્ધ ઈચ્છે છે (તે ટેરિફ યુદ્ધ હોય, વેપાર યુદ્ધ હોય કે અન્ય કોઈ યુદ્ધ હોય) તો અમે અંત સુધી લડવા તૈયાર છીએ. ચીનના આ પગલા બાદ સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા છે. આ પગલાની અસર વિશ્વના અંત દેશો પર પણ પડી શકે છે.

ચીને આ મામલે વધુમાં કહ્યું હતું કે અમે ધમકીઓથી ડરતા નથી. શી જિનપિંગની સરકારે કહ્યું હતું કે દબાણ અને ધાકધમકી અમારા પર કામ કરતી નથી. ચીન સાથે વ્યવહાર કરવાનો સાચો રસ્તો ન તો દબાણ છે, ન જબરદસ્તી કે ન ધમકી છે. કોઈ પણ જે ચીન પર મહત્તમ દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે ખોટી વ્યક્તિને નિશાન બનાવીને મોટી ભૂલ કરી રહ્યા છે.