મોડાસાના આંગણે પ્રથમ વખત ‘વૃક્ષ કાવડ યાત્રા’નું અનોખું આયોજન

અરવલ્લી: ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ માસને સૌથી પવિત્ર માનવામાં આવે છે. શિવાલયોમાં આ માસ દરમિયાન શિવાલયોમાં અભિષેકની પુણ્ય અને વેજ્ઞાનિક પરંપરા યુગોથી ચાલી આવી રહી છે. ત્યારે આ અભિષેક પાછળ ધાર્મિક આસ્થાની સાથે સામાજિક સરોકાર પણ હતી. અભિષેકના માધ્યમથી જળ સંરક્ષણનો સંદેશ આપવામાં આવતો હતો, જેનો વૈજ્ઞાનિક આધાર પણ હતો. ભારતના અનેક ભાગોમાં જળાભિષેક માટે કાંવડ યાત્રાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. યુગ પરિવર્તનના આ સમયમાં ધર્મ તંત્રથી લોકશિક્ષણના ભાગરૂપે GPYG (ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ) મોડાસા અને ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા વૃક્ષ કાંવડ યાત્રાનો નવીન અને અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે મોડાસા સહિત સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત જ થવા જઈ રહી છે .

આ વૃક્ષ કાવડ યાત્રાનો સંદેશ શિવાલયમાં જલાભિષેકની સાથે મંદિરના પરિસરમાં યોગ્ય જગ્યા શોધો અને ત્યાં એક વૃક્ષ વાવો તેવો છે. સાથે જ જ્યાં સુધી તે વૃક્ષ મોટું ન થાય ત્યાં સુધી તેની તમારા પુત્ર કે મિત્રની જેમ રક્ષા અને ઉછેરની જવાબદારી લો.આ વૃક્ષ કાવડ યાત્રા અંગે ચિત્રલેખા.કોમ એ GPYG ના સદસ્ય ભાર્ગવભાઈ પ્રજાપતિ સાથે વાત કરી. તેમણે જણાવ્યું, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા શ્રીરામ શર્મા દ્વારા આપવામાં આવેલાં 7 રચનાત્મક સૂત્રોમાંથી એક પર્યાવરણની રક્ષા કરવાનું સૂત્ર પણ છે. આથી મોડાસા ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ દ્વારા પર્યાવરણના રક્ષણ અને વૃક્ષારોપણનું બીડું ઝડપવામાં આવ્યું. જેના ભાગરૂપે છેલ્લાં 164 રવિવારથી અમે 15 યુવાનોની ટીમ મોડાસા અને તેની આસપાસા ક્ષેત્રોમાં વૃક્ષારોપણ કરીએ છીએ. અત્યાર સુધીમાં અમે લોકોએ લગભગ 1700 જેટલાં વૃક્ષો વાવયા છે. અમારા આ કાર્યમાં માત્ર વૃક્ષારોપણ કરી દેવાથી કામ પૂરું થતું નથી. અમે લોકો તરૂ પુત્ર કે તરૂ મિત્રની જેમ આ વૃક્ષોનું રોપણ કર્યા બાદ તે જ્યાં સુધી મોટું ના થાય ત્યાં સુધી તેનું એક બાળક અથવા તો મિત્ર તરીકે જતન કરીએ છીએ.”આગામી 25મી ઓગષ્ટના રોજ મોડાસા ખાતે કાવડ વૃક્ષ યાત્રાનો આ ખાસ કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં મોડાસા ગાયત્રી મંદિરથી આ કાવડ યાત્રા શરૂ થશે. જે મોડાસાના રામ પાર્ક વિસ્તારમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિર સુધી યોજાશે. આ વૃક્ષ કાવડ યાત્રા દરમિયાન રસ્તામાં અનેક જગ્યાએ વૃક્ષારોપાણ પણ કરવામાં આવશે. આ પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમમાં GPYG, મોડાસા ગ્રુપના ભાર્ગવ પ્રજાપતિ, પ્રજ્ઞેશ કંસારા, દેવાશિષ કંસારા, જનક ઉપાધ્યાય, વીરેન્દ્રભાઈ સોની, નીતિનભાઈ સોની, કરિણભાઈ પટેલ, જીલ પટેલ, શિવ ઉપાધ્યાય, પ્રકાશ સુથાર, નીલ જોશી, પરેશ ભટ્ટ, યશ ભટ્ટ, હર્ષ ભટ્ટ, ડૉ. ઉચિત પ્રજાપતિ સહિત કુલ 15 સદસ્યો જોડાયેલા છે. આ સમગ્ર ટીમને શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સતત માર્ગદર્શન મળતું રહ્યું છે