નવી દિલ્હીઃ દેશના 17મા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદ ભવનમાં મતદાન યોજાયું હતું. ચૂંટણીમાં સીધી ટક્કર NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન અને INDIA ગઠબંધનના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી વચ્ચે છે. આ ચૂંટણીમાં બપોરે ત્રણ કલાક સુધી 762 મતો પડ્યા હતા. PM મોદી, રાહુલ ગાંધી સહિત મોટા નેતાઓ મતદાન કર્યું હતું. ભૂતપૂર્વ ઉપપ્રમુખ જગદીપ ધનખડ 21 જુલાઈએ આરોગ્ય કારણો બતાવી અચાનક રાજીનામું આપ્યા બાદ થઈ રહી છે.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મતદાન સવારે 10 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલ્યું. સાંજે છ વાગ્યે મતગણતરી શરૂ થશે અને ત્યાર બાદ વિજેતા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદીને આ ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર બનાવાયા છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે બેલેટ પેપર દ્વારા ગુપ્ત મતદાન થાય છે અને તે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ હેઠળ યોજાય છે.ઉપરાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા સભ્યો, 12 મનોયુક્ત સભ્યો અને લોકસભાના 543 ચૂંટાયેલા સભ્યો મતદારોમાં છે. હાલ પાંચ રાજ્યસભાની અને એક લોકસભાની બેઠક ખાલી હોવાથી કુલ 781 સાંસદોને મતદાનનો અધિકાર છે. જીત માટે ઉમેદવારને ઓછામાં ઓછા 391 મત મેળવવા પડશે. ભારત રાષ્ટ્ર સમિતિ (4 રાજ્યસભા સાંસદ), બીજુ જનતા દળ (7 રાજ્યસભા સાંસદ) અને શિરોમણી અકાલી દળ (એક લોકસભા + 2 રાજ્યસભા સાંસદ) મતદાનમાં ભાગ લેશે નહીં.
ભાજપ સાંસદ ભાગવત કરાડે કહ્યું હતું કે ક્રોસ વોટિંગની કોઈ શક્યતા નથી. અમે ચોક્કસ જીતીશું. સી.પી. રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેમણે ઝારખંડ અને તેલંગાણામાં પણ મહત્વની જવાબદારી સંભાળી છે. દક્ષિણ ભારતમાં ભાજપને મજબૂત બનાવવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે. તેઓ તામિલનાડુ ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે. રાધાકૃષ્ણને 1998 અને 1999માં કોઇમ્બતુરથી ભાજપના ટિકિટ પર લોકસભાની ચૂંટણી જીતી હતી.હાલ રાજ્યસભામાં 238 અને લોકસભામાં 542 સાંસદ છે. જીત માટે 391 સાંસદોના સમર્થનની જરૂર છે. NDA પાસે હાલ 425 સાંસદ છે. આ વખતે INDIA ગઠબંધન NDAને કઠિન ટક્કર આપશે.


