AAP ના આદિવાસી નેતા અર્જુન રાઠવા સહિતના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા

હાલમાં એકબાજુ લોકસભાની ચૂંટણી નજીક આવતી હોવાથી રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે તો બીજી બાજુ પક્ષપલટાની સિઝન પણ ચાલી રહી છે. ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા આદિવાસી સમાજના નેતા, પ્રદેશના ઉપાધ્યક્ષ અને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 45,૦૦૦થી વધુ વોટ મેળવનાર અર્જુનભાઈ રાઠવાએ આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા હવે કોંગ્રેસ તરફ વળી રહ્યા છે અને દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીની ટિકીટ પર ચૂંટણી લડેલા આદીવાસી નેતા અર્જુન રાઠવા આજે અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયાં છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ અને છોટાઉદેપુરના પ્રભારી મયંક શર્મા, કાંકરેજ વિધાનસભાના ચૌધરી સમાજના આગેવાન અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી તથા પાટણ જિલ્લા પ્રભારી પ્રશાંત ચૌધરી, આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ ટ્રેડ વિંગ અને ઉપપ્રમુખ, સાબરકાંઠા જિલ્લો તથા ખેડબ્રહ્મા નગરપાલિકાના ઈન્ચાર્જ શિરીષભાઈ ત્રિવેદી, સાબરકાંઠા જિલ્લા મહામંત્રી હસમુખ કાપડીયા, વડોદરા જિલ્લા યુથ પ્રમુખ વિશાલ પટેલ, પાટણ જિલ્લા મહામંત્રી દેવેનભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા એસ.સી. સેલના પ્રમુખ શામળભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાન-હોદ્દેદાર-કાર્યકરો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.