વનતારા વન વિભાગને બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવ વૈવિધ્ય જાળવવામાં સહાયરૂપ

કચ્છ: બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવનના વૈવિધ્યને સહાયરૂપ બનવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાત વન વિભાગે ‘વનતારા’ના સહયોગથી 70 હેક્ટરના સંરક્ષિત વિસ્તારમાં 20 ચિતલ (સ્પોટેડ ડિયર)ને આયોજનબદ્ધ રીતે વસાવ્યા છે. અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારા ખાતે ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે. આ સહયોગી પહેલનો ઉદ્દેશ્ય એશિયાના સૌથી મોટા ઘાસના મેદાનોમાંના એક એવા બન્નીમાં જૈવવિવિધતાને મજબૂત કરવાનો છે.

જામનગરમાં આવેલી વનતારાની અલાયદી સંરક્ષિત ફેસિલિટીમાંથી સ્થળાંતરિત કરાયેલા હરણોને ખાસ ડિઝાઇન કરેલી એમ્બ્યુલન્સમાં કચ્છ લાવવામાં આવ્યા હતા. સંરક્ષિત વિસ્તારમાં આ હરણોને છોડવાની પ્રક્રિયા વન વિભાગના સીધા નિરીક્ષણ અને નિર્દેશન હેઠળ કરવામાં આવી હતી, જેમાં વનતારા દ્વારા સ્થાપિત સંરક્ષણ નિયમો અનુસાર પ્રક્રિયાને સરળ બનાવવા માટે તકનીકી અને સંસાધનોની સહાય પૂરી પાડવામાં આવી હતી.ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટરના ડિરેક્ટર ડો. બ્રિજ કિશોર ગુપ્તાએ જણાવ્યું કેઃ “આ પહેલ સંરક્ષણ માટેનો સહયોગી અભિગમ દર્શાવે છે, જ્યાં બન્નીના ઘાસના મેદાનોમાં જૈવવિવિધતાને મજબૂત કરવા માટે વૈજ્ઞાનિક નિપૂણતા અને સંસાધનને લગતી સહાયનું સંયોજન કરવામાં આવે છે.”

ગુજરાતના કચ્છ જિલ્લામાં 2618 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા બન્નીના ઘાસના મેદાનો એશિયાના સૌથી મોટા અને પર્યાવરણીય રીતે સૌથી મહત્વપૂર્ણ ઘાસના મેદાનોમાંનું એક છે. સર્વેક્ષણોમાં આ પ્રદેશમાં સસ્તન પ્રાણીઓની 12 પ્રજાતિઓ નોંધવામાં આવી છે, જેમાં છ માંસાહારી અને બે શાકાહારી પ્રાણીઓનો સમાવેશ થાય છે. મુખ્ય પ્રજાતિઓમાં ચિંકારા (ઇન્ડિયન ગઝેલ), ભારતીય વરુ, ગોલ્ડન શિયાળ, નીલગાય, પટ્ટાવાળા ઝરખ અને  શિયાળનો સમાવેશ થાય છે. બન્નીના પર્યાવરણીય વ્યવસ્થાપનમાં ગુજરાત વન વિભાગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું નિરંતર જારી રાખતાં ક્ષતિગ્રસ્ત વિસ્તારોને પુનર્સ્થાપિત કરવા, આક્રમક પ્રજાતિઓને નિયંત્રિત કરવી અને સ્થાનિક વન્યજીવનને ટકાવી રાખવા માટે મહત્વપૂર્ણ એવા સ્થાનિક ઘાસના વિકાસને પ્રોત્સાહિત કરવા પર કેન્દ્રિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.