મુંબઈથી અહમદાબાદ તરફ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર સુરત પાસે અચાનક પથ્થરમારો થતાં સસંસટી મચી ગઈ છે. આ ઘટના સાંજે 6:30 થી 6:45 વાગ્યાના સમયગાળા દરમિયાન સુરતના ઉત્તરાણ અને કોસાડ રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. મળતી માહિતી મુજબ, ટ્રેન જ્યારે સુરત સ્ટેશનથી ઉપડીને ઉત્તરાણ પાસે પહોંચી ત્યારે અસામાજિક તત્વોએ ટ્રેનને નિશાન બનાવીને પથ્થર ફેંક્યા હતા. આ સમયે ટ્રેનના એક્ઝિક્યુટિવ કોચમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ મુસાફરી કરી રહ્યા હતા. સદનસીબે બંને મહાનુભાવો અને ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈ જાનહાનિ થઈ નથી.

પોલીસે શંકાસ્પદની કરી અટકાયત
ઘટનાની જાણ થતાં જ જીઆરપી (GRP) અને રેલવે સુરક્ષા દળ (RPF) ના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે આ વિસ્તારમાં તપાસ હાથ ધરીને એક શંકાસ્પદ વ્યક્તિને રાઉન્ડઅપ કર્યો છે. હાલમાં તેની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ પથ્થરમારો કરવા પાછળનો હેતુ શું હતો.

સહયાત્રીઓ સાથે આનંદીબેન પટેલે કર્યો સંવાદ
પોતાના ગુજરાત અને સંઘપ્રદેશના પ્રવાસ દરમિયાન યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે વાપીથી અહમદાબાદ સુધી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ મુસાફરી દરમિયાન તેમણે ટ્રેનમાં સવાર જાણીતા ફિલ્મ અને ટીવી કલાકાર અનંગ દેસાઈ તેમજ અન્ય સહયાત્રીઓ સાથે મુલાકાત કરી સિનેમા અને સામાજિક વિષયો પર ચર્ચા કરી હતી.

આ પહેલાં તેમણે સંઘપ્રદેશ દમણ અને દીવ ખાતે આયોજિત ‘મોન્સૂન ફેસ્ટિવલ-2026’ ની ભવ્ય સાંસ્કૃતિક પરેડને ફ્લેગ ઓફ કરાવ્યો હતો. આ સિવાય તેમણે સિલ્વાસા સ્થિત નમો મેડિકલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિર શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.




