અમેરિકા: વાઇસ પ્રેસિડન્ટ જેડી વેન્સ, પત્ની ઉષા વેન્સ સાથે આ મહિનાના અંતમાં ભારતની મુલાકાત લઈ શકે છે. ફેબ્રુઆરીમાં ફ્રાન્સ અને જર્મનીની મુલાકાત લીધા બાદ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વેન્સની આ બીજી આંતરરાષ્ટ્રીય યાત્રા હશે.જેડી વેન્સ પત્ની ઉષા વેન્સ સાથે આવશે મુલાકાત
આ મુલાકાત વિશે હજુ સુધી વિગતો શેર કરવામાં આવી નથી. પરંતુ આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધવિરામ માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. આ સમય દરમિયાન, સાઉદી અરેબિયામાં રશિયા-યુક્રેન યુદ્ધ પર પણ સમજૂતીના સંકેતો મળ્યા છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર ઝેલેન્સકી 30 દિવસના યુદ્ધવિરામ માટે સંમત થયા છે. હવે અમેરિકન અધિકારીઓ રશિયાની મુલાકાત લેશે. દરમિયાન વાઇસ પ્રેસિડન્ટ વેન્સની ભારત મુલાકાત પણ ઘણા સંકેતો આપી રહી છે.સાઉદી અરેબિયામાં અમેરિકી અધિકારીઓ દ્વારા રશિયા-યુક્રેન યુદ્ધવિરામને લાગુ કરવા માટે યુક્રેન સાથે વાતચીત ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયા અને યુક્રેન બંને દેશોના પ્રમુખ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે રશિયા-યુક્રેન યુદ્ધ શાંતિ મંત્રણાને પૂર્ણ કરવામાં અમેરિકા પીએમ મોદીની મદદ લઈ શકે છે.
એવામાં જેડી વેન્સની મુલાકાત દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધવિરામ શાંતિ વાટાઘાટો પર પણ ચર્ચા થવાની આશા છે. જો કે, જેડી વેન્સની આ મુલાકાત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ અને મજબૂત કરવા માટે થઈ રહી છે, જેમાં ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
