કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની એક કાર્યક્રમ દરમિયાન તબિયત બગડી

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની તબિયત એક કાર્યક્રમ દરમિયાન અચાનક બગડી હતી. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગડકરી પશ્ચિમ બંગાળના સિલીગુડીના દાગાપુર પહોંચ્યા હતા. જ્યાં તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. ત્યારબાદ નજીકની હોસ્પિટલની ટીમ સ્થળ પર પહોંચી અને તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે નિતિન ગડકરીની તબિયત ઓછી સુગર લેવલને કારણે બગડી હતી.

પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં એક કાર્યક્રમ દરમિયાન તબિયત બગડી

નીતિન ગડકરી યોજનાઓ રજૂ કરવા પશ્ચિમ બંગાળના સિલીગુડી પહોંચ્યા હતા. તેમણે સિલીગુડીમાં રૂ. 1206 કરોડના ખર્ચે 3 NH પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ કાર્યક્રમ બાદ અચાનક તેમની તબિયત લથડી હતી. સુકનાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એક ટીમ પહોંચી અને તેમને પ્રાથમિક સારવાર આપી. હવે નીતિન ગડકરીની તબિયત સારી હોવાનું કહેવાય છે.

2018માં મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન પણ બગડી હતી તબિયત

આ પહેલીવાર નથી જ્યારે આ પ્રકારના કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીની તબિયત બગડી હોય. અગાઉ ડિસેમ્બર 2018માં મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત બગડી હતી. ગડકરી સ્ટેજ પર જ બેહોશ થઈ ગયા. આ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ હાજર હતા. રાજ્યપાલે જ તેમને સ્ટેજ પર સંભાળ્યા હતા. આ પછી નીતિન ગડકરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.