ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે “સ્ટાર્ટઅપ કોન્કલેવ-૨૦૨૫”નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ કોન્કલેવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ સાબિત થશે. આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ડિજિટલ ઇકોસિસ્ટમ બની છે. સ્ટાર્ટઅપ એક્ઝિબિશનનો પ્રારંભ કરાવીને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ વિવિધ સ્ટાર્ટઅપ સ્ટોલ્સની પ્રત્યક્ષ મુલાકાત લઇ ઉદ્યમીઓ સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
દેશના યુવા ઉદ્યમીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે થયેલી ક્રાંતિનો યશ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ પહેલા દેશમાં માત્ર ૫૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સ અને ચાર જ યુનિકોર્ન હતા. આજે દેશમાં ૧.૯૨ લાખથી પણ વધુ સ્ટાર્ટઅપ્સ અને ૧૨૦થી વધુ યુનિકોર્ન કાર્યરત છે, જેની કુલ વેલ્યુ ૩૫૦ બિલિયન ડોલરથી પણ વધુ થાય છે. પરિણામે આજે ભારતનો યુવાન જોબ સીકર મટી, જોબ ગીવર બની રહ્યો છે. તેમણે યુવાનોમાં રહેલી આ ક્ષમતાનો લાભ લેવા ઉદ્યોગકારો અને રોકાણકારોને પણ અપીલ કરી હતી.
વર્ષ ૨૦૧૪ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ભારત ૯૧મા ક્રમે હતું, જે તાજેતરમાં જ રીલીઝ થયેલા વર્ષ ૨૦૨૫ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ભારત સીધું જ ૩૮મા ક્રમે પહોંચ્યું છે, જે દેશના યુવાનોમાં રહેલી ક્ષમતા બતાવે છે. યુવાનોની આ જ ક્ષમતાને પ્રોત્સાહન આપીને આગામી ત્રણ વર્ષમાં ભારતને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ટોચના ૧૦ દેશોમાં સ્થાન અપાવવામાં પણ આ કોન્કલેવ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગૌરવ સાથે કહ્યું હતું કે, દેશના કુલ સ્ટાર્ટઅપ્સ પૈકી ૪૮ ટકા સ્ટાર્ટઅપ્સ બહેનોએ તૈયાર કર્યા છે. માતૃ શક્તિ-મહિલા ઉદ્યમીઓ પાસે હંમેશા લક્ષ્મીજીનો વાસ હોય છે. ઉત્તર-પૂર્વમાં અંદાજે ૯૦૦ મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ છે, જે આત્મનિર્ભર ભારત માટે કાર્યરત છે. સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના માધ્યમથી અત્યાર સુધીમાં ગૌરવ સમાન અંદાજે ૧૭.૯૦ લાખને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ટુ ટાયર અને થ્રી ટાયર સિટીમાં પ્રતિ વર્ષ અંદાજે ૯,૦૦૦ જેટલા સ્ટાર્ટઅપ શરૂ થાય છે, જે દેશનો વિકાસ દર્શાવે છે.
સ્ટાર્ટઅપને નાણાકીય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિગત અને બેન્કિંગ સહયોગ ઉપલબ્ધ થઈ રહ્યો છે. આ માટે રૂ ૧૦ હજાર કરોડના ફંડ ઓફ ફંડની રચના કરવામાં આવી છે. સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે મહત્તમ લોન મર્યાદા રૂ. ૧૦ કરોડથી વધારીને રૂ. ૨૦ કરોડ કરવા ઉપરાંત વિવિધ ટેક્સમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સરકાર પણ સ્ટાર્ટઅપને અનેક પ્રકારે સહાય કરી રહી છે.જેના પરિણામે દરેક સર્જક પોતાનું અલગ સ્ટાર્ટઅપ બનાવી રહ્યો છે. મેઇક ઈન ઇન્ડિયા અને ૧૪ મુખ્ય ક્ષેત્રમાં PLI લાવીને વિવિધ પ્રકલ્પોને પ્રોત્સાહન આપવા કરોડો રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે. રોકાણકારોની સરળતા માટે દેશમાં ૩૪૦૦થી વધુ કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
છેલ્લા ચાર વર્ષોથી ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગેવાની સાથે કામ કરીને સમગ્ર દેશમાં પ્રથમ રહ્યું છે. દેશમાં ટોપ પાંચ રાજ્યોમાં ૧૬,૦૦૦ સ્ટાર્ટઅપ ગુજરાતમાં છે. માત્ર અમદાવાદ શહેરમાં ૬,૬૫૦ સ્ટાર્ટઅપ સાથે ટોપ-૪માં સ્થાન ધરાવે છે. સતત ચાર વર્ષથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ગુજરાત બેસ્ટ પર્ફોમન્સ કરતુ રાજ્ય બન્યું છે.

સ્ટાર્ટઅપ્સ સ્વદેશી, આત્મનિર્ભરતા, ઇનોવેશનને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારી સર્જન તથા એન્ટરપ્રાઈઝીંગને વેગ આપવા માટે જરૂરી છે. એટલું જ નહિ, વિકસિત ભારતના નિર્માણ માટે દેશમાં સ્ટાર્ટઅપ્સનું મહત્વ છે તેમ પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપવા રાજ્ય સરકારે ચાર રિજિયનમાં આઈ-હબ અને 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓમાં એ.આઈ. લેબ ઊભી કરવાની પણ નેમ રાખી છે.





