કેન્દ્રીય બજેટ સત્ર 31 જાન્યુઆરીથી, નિર્મલા સીતારમણ 8મું બજેટ રજૂ કરશે

નવી દિલ્હી: ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫થી શરૂ થનારું કેન્દ્રીય બજેટ સત્ર ૪ એપ્રિલ સુધી ચાલશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતે તેમનું આઠમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. પરંપરા મુજબ, બજેટ સત્ર 31 જાન્યુઆરીએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂ થશે. આ પછી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે.સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરી, 2025 ના રોજ સવારે 11 વાગ્યે લોકસભાના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. કેન્દ્રીય બજેટ 2025-26 1 ફેબ્રુઆરી, 2025ના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમનું આઠમું બજેટ રજૂ કરતી વખતે કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે.

૧૩ ફેબ્રુઆરીએ રજા રહેશે
તેમણે લખ્યું,  બંને ગૃહો ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ વિરામ માટે મુલતવી રાખવામાં આવશે અને ૧૦ માર્ચ, ૨૦૨૫ના રોજ ફરી બોલાવી શકાય છે. જેથી વિવિધ મંત્રાલયો/વિભાગોની ગ્રાન્ટની માંગણીઓની તપાસ કરી શકાય અને તેનો અહેવાલ આપી શકાય. આ સત્રમાં કુલ ૨૭ બેઠકો યોજાશે.

બજેટ સત્રના પહેલા ભાગમાં 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી નવ બેઠકો યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ રજૂ કરશે અને નિર્માલા સીતારમણ બજેટ પરની ચર્ચાનો જવાબ આપશે. ત્યારબાદ સંસદ બજેટ દરખાસ્તોની તપાસ કરવા માટે વિરામ લેશે અને 10 માર્ચથી ફરી બેઠક કરશે જેમાં વિવિધ મંત્રાલયોની ગ્રાન્ટ માંગણીઓની ચર્ચા કરવામાં આવશે અને બજેટ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. બજેટ સત્ર 4 એપ્રિલના રોજ સમાપ્ત થશે. આખા બજેટ સત્રમાં 27 બેઠકો થશે.