વારાણસી: જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ યોગી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. વારાણસીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે ગૌ સંરક્ષણને મુદ્દે ખુલ્લો પડકાર ફેંક્યો. શંકરાચાર્યએ સ્પષ્ટ કર્યું કે જો તેમની માગો પૂર્ણ નહીં થાય, તો તેઓ પોતાના સમર્થકો સાથે લખનૌ તરફ કૂચ કરશે.
20 દિવસનો સમય બાકી, પહેલી માર્ચે આગળની વ્યૂહરચના
શંકરાચાર્યએ યાદ અપાવ્યું હતું કે તેમણે સરકારને 40 દિવસનો સમય આપ્યો હતો, જેમાંથી હવે માત્ર 20 દિવસ બાકી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અમે સરકારને યાદ અપાવી રહ્યા છીએ કે ગૌ માતાને ‘રાજ્ય માતા’નો દરજ્જો આપવા માટે સમય ઓછો રહ્યો છે. પહેલી માર્ચે અમે ફરી પત્રકારો સાથે મુલાકાત કરી આગળની સ્થિતિ સ્પષ્ટ કરીશું.
યુપીમાં વધી ગૌહત્યા?
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પશુ ગણતરીનો ઉલ્લેખ કરીને ઉત્તર પ્રદેશ સરકારના દાવાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે ઉત્તર પ્રદેશમાં ગાયોની કતલની સંખ્યા વધી છે, જ્યારે પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં તે ઘટી છે. તેમણે કહ્યું હતું કે બંગાળમાં તેમના પ્રયાસોથી પશુ મેળાઓ પર પ્રતિબંધ લાગ્યો છે અને ત્યાં ગાયોની સંખ્યામાં 15 ટકા વધારો નોંધાયો છે. શંકરાચાર્યએ જણાવ્યું હતું કે યોગી આદિત્યનાથ હિંદુત્વની વાત કરે છે અને યુપીમાં સંખ્યાબળ વધુ હોવાથી તેઓ પહેલા અહીં જવાબદારી નક્કી કરી રહ્યા છે.

ભગવા પહેરીને માંસનો વેપાર સહન નહીં
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પર સીધો પ્રહાર કરતા શંકરાચાર્યએ ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જે લોકો ભગવા વસ્ત્ર પહેરીને ગૌ માંસના વેપારને સમર્થન આપે છે અથવા ચૂપ રહે છે, તેમણે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે. તેમણે જણાવ્યું હતું કે યોગી આદિત્યનાથ અહંકારગ્રસ્ત થઈ ગયા છે. વિધાનસભાની આડ લઈને શંકરાચાર્યની ગૌરવ પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. જનતા વચ્ચે આવીને વાત કરો. ભાજપને પણ હવે લાગવા લાગ્યું છે કે તેમણે ભસ્માસૂર પાળી લીધો છે.




