લંડન: એક સપ્તાહ પહેલા બ્રિટનના સાઉથપોર્ટ શહેરમાં ત્રણ યુવતી પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેમના મોત થયા હતા. આ પછી શરૂ થયેલા હિંસક પ્રદર્શનો અટકવાનું નામ નથી લઈ રહ્યા. બ્રિટનના 17 શહેરોમાં આગચંપી અને પોલીસ સાથે ઘર્ષણના અહેવાલો સામે આવ્યા છે. જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને એકની હાલત ગંભીર છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને સોમવારે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી. આ દરમિયાન એક વીડિયો સંદેશમાં વડાપ્રધાન કીર સ્ટારમેરે આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શનના નામે સંગઠિત હિંસા કરવામાં આવી રહી છે.
PM સ્ટારમેરે કહ્યું, “તેઓ આ ગુંડાઓને જેલમાં મોકલવા માટે જે પણ કરવાનું થશે તે કરશે. પોલીસ ધરપકડ કરશે, લોકોને રિમાન્ડ પર રાખવામાં આવશે, આરોપ ઘડવામાં આવશે અને સજા પણ આપવામાં આવશે. હું બાંહેધરી આપું છું કે તમે આ હિંસામાં ભાગ લેવા બદલ ખેદ કરશો, પછી ભલે તમે તેમાં પ્રત્યક્ષ કે ઓનલાઈન સામેલ થશો.”પીએમે કહ્યું કે જે કોઈ પણ ચામડીના રંગના આધારે હિંસા કરે છે તે ખૂબ જ જમણેરી વિંગર છે. લોકોને આ દેશમાં સુરક્ષિત રહેવાનો અધિકાર છે. આમ છતાં અમે જોયું કે મુસ્લિમ સમુદાયોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મસ્જિદો પર હુમલા થયા. સાચા વિચારવાળા લોકોએ આવી હિંસાની નિંદા કરવી જોઈએ.
રવિવારે, જમણેરી વિરોધીઓએ ઉત્તર ઇંગ્લેન્ડના રોધરહામ શહેરમાં શરણાર્થીઓ માટે બનાવવામાં આવેલી હોટેલમાં તોડફોડ કરી હતી. રવિવારે વિરોધીઓએ રોધરહામ શહેરમાં હોલિડે ઇન એક્સપ્રેસ નામની હોટલને નિશાન બનાવી હતી. તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને બોટલો ફેંકીને અનેક બારીઓના કાચ તોડી નાખ્યા હતા. આ હોટલમાં 500 શરણાર્થીઓ રહે છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકારે હવે પોલીસને કાર્યવાહી કરવાની છૂટ આપી છે. પોલીસે ઈંગ્લેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડમાં 150થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. બ્રિટનમાં 13 વર્ષમાં આ સૌથી મોટો તોફાનો હોવાનું કહેવાય છે.
શું છે સમગ્ર મામલો?
ગયા અઠવાડિયે સોમવારે સાંજે, લિવરપૂલ નજીક સાઉથપોર્ટમાં એક ડાન્સ ક્લાસમાં એક 17 વર્ષીય સગીરે ક્લાસમાં હાજર બાળકો પર ચાકુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં 3 બાળકીઓના મોત થયા છે. આ સિવાય લગભગ 1 ડઝન લોકો ઘાયલ થયા છે.આ ઘટના બાદ, એક ઓનલાઈન અફવા ફેલાઈ હતી કે ડાન્સ ક્લાસમાં છરીથી હુમલો કરનાર કિશોર મુસ્લિમ શરણાર્થી હતો. જેનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને મુસ્લિમ શરણાર્થીઓ પર હુમલાઓ થવા લાગ્યા. બ્રિટનમાં 18 વર્ષથી ઓછી ઉંમરના શકમંદોના નામ જાહેર કરવામાં આવતા નથી. પરંતુ આ કેસમાં કોર્ટે અલગ નિર્ણય લેવો પડ્યો. કોર્ટે વેલ્સમાં રવાન્ડામાં જન્મેલા એક્સેલ રૂડાકુબાનાની ઓળખ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો, જેથી અફવાઓ ફેલાતી અટકી જાય. પરંતુ અફવાઓ રોકાવાનું નામ નથી લઈ રહી અને આંદોલનો વધુ ઉગ્ર બની ગયા છે.