U19 World Cup Final : ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 254 રનનો ટાર્ગેટ આપ્યો

અંડર-19 વર્લ્ડ કપ 2024 ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેનોનીમાં રમાઈ રહી છે. 6 વર્ષ બાદ ફરી એકવાર અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ટકરાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 253 રન કરી શકી હતી અને ભારતને જીત માટે 254 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી હેરી ડિક્સને 42 રન ફટકાર્યા હતા જ્યારે સેમ કોન્સ્ટાસ ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. હ્યુગ વિબજેને 48 રનનું યોગદાન આપ્યું હતું તો હરજસ સિંહે ફિફ્ટી ફટકારતા 55 રન કર્યા હતા. રેયાન હિક્સ 20 રન ફટકારી આઉટ થયો હતો. ઓલિવર પીકે અંત સુધી રમી 46 રન ફટકારી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ભારત તરફથી રાજ લિંબાણીએ શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી. જ્યારે નમન તિવારીએ 2 વિકેટ, સૌમ્યા પાંડે અને મુશીર ખાને 1-1 વિકેટ ઝડપી હતી.

છેલ્લી વખત બંને ટીમો 2018ના અંડર-19 વર્લ્ડ કપમાં સામસામે આવી હતી. 2018ના અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પૃથ્વી શૉની કપ્તાનીમાં ભારતીય ટીમે કાંગારૂઓને 8 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. ભારતીય ટીમના વર્તમાન મુખ્ય કોચ, રાહુલ દ્રવિડ 2018 અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ટીમના તત્કાલીન મુખ્ય કોચ હતા. ભારતીય ટીમે પ્રથમ સેમિફાઇનલમાં યજમાન દક્ષિણ આફ્રિકાને 2 વિકેટથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમે બીજી સેમીફાઈનલમાં પાકિસ્તાન સામે 1 વિકેટથી રોમાંચક જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આઈસીસી અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બે વખત ટકરાયા છે અને બંને વખત ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે. ICC અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત ક્યારેય હાર્યું નથી.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન – હેરી ડિક્સન, સેમ કોન્સ્ટાસ, હ્યુગ વિબજેન (કેપ્ટન), હરજસ સિંહ, રેયાન હિક્સ (વિકેટકીપર), ઓલિવર પીક, રાફે મેકમિલન, ચાર્લી એન્ડરસન, ટોમ સ્ટ્રેકર, મહાલી બીર્ડમેન અને કેલમ વિડલર.

ભારતની પ્લેઈંગ ઈલેવન

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન – આદર્શ સિંહ, અર્શિન કુલકર્ણી, મુશીર ખાન, ઉદય સહારન (કેપ્ટન), પ્રિયાંશુ મોલિયા, સચિન ધાસ, અરવેલ્લી અવનીશ (વિકેટકીપર), મુરુગન અભિષેક, રાજ લિંબાણી, નમન તિવારી, સૌમ્યા પાંડે.