બેંગલુરુઃ કર્ણાટક પોલીસે રવિવારે આઉટર બેંગલુરુમાંથી ભાજપના બે નેતાઓની ધરપકડ કરી છે. તેમના પર રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ-વોટિંગ કરાવવા માટે ઓડિશા કોંગ્રેસના આઠ ધારાસભ્યોને પ્રતિ વ્યક્તિ 5-5 કરોડ રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. ધરપકડ કરાયેલા બંનેની ઓળખ બિરેન્દ્ર પ્રસાદ અને બ્યાતારાયણપુરા સુરેશ તરીકે થઈ છે. આ કેસમાં અન્ય બે આરોપી — અજિત કુમાર સાહુ અને સિમાન્ચલ મહાકુડ — હજુ ફરાર છે.
બેંગલુરુ સાઉથના પોલીસ અધિક્ષક શ્રીનિવાસ ગૌડા આરએ જણાવ્યું હતું કે આરોપીઓને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 173 (ચૂંટણીમાં લાંચ) અને 352 (શાંતિ ભંગ કરવા અથવા અન્ય ગુનો કરવા માટે ઇરાદાપૂર્વક અપમાન કરવું) તેમ જ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ કલમ હેઠળ કોઈ સરકારી કામ કરવા કે ન કરવા બદલ સીધી રીતે અથવા તૃતીય પક્ષ મારફતે ગેરકાયદે લાંચ માંગવી અથવા સ્વીકારવી ગુનો ગણાય છે.
કોંગ્રેસના ધારાસભ્યોને લાંચ આપવાનો પ્રયાસ
ઓડિશામાં કોંગ્રેસ વિધાનમંડળ દળના ઉપનેતા અશોકકુમાર દાસે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે તેમના ધારાસભ્યોનું અપહરણ કરવાની ભાજપની કથિત યોજનાની ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે આ ધરપકડ કરવામાં આવી. એક પોલીસ અધિકારી મુજબ ચારેય આરોપીઓ બેંગલુરુના વન્ડરલા રિસોર્ટમાં પ્રવેશવામાં સફળ થયા હતા અને ત્યાં રોકાયેલા ઓડિશા કોંગ્રેસના ધારાસભ્યોને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો.
કોંગ્રેસના પ્રથમ વખત ચૂંટાયેલા આઠ ધારાસભ્યોને “ક્રોસ-વોટિંગના જોખમ”થી બચાવવા માટે રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. આ ધારાસભ્યોમાં રાજન એક્કા, અશોક દાસ, અપ્પાલા કુમાર સ્વામી, મંગુ કિલો, પવિત્ર સોઉંથા, નીલમાધવ હિક્કા, પ્રફુલ્લ પ્રધાન અને સત્યજિત ગોમોંગોનો સમાવેશ થાય છે.

આજે મતદાન
ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે સોમવારે ચૂંટણી યોજાઈ રહી છે. સત્તારૂઢ ભાજપે ત્રણ ઉમેદવાર અને બિજુ જનતા દળ (BJD)એ એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. BJDએ કોંગ્રેસના સમર્થન સાથે પ્રખ્યાત યુરોલોજિસ્ટ ડૉ. દત્તેશ્વર હોતાને પણ ઉમેદવાર બનાવ્યા છે, જે ઓડિશા મેડિકલ યુનિવર્સિટીના પૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે. 147 સભ્યોની ઓડિશા વિધાનસભામાં જીતવા માટે દરેક ઉમેદવારને 30 મત જરૂરી છે. હાલ વિપક્ષી BJD પાસે 48 અને કોંગ્રેસ પાસે 14 ધારાસભ્યો છે.


