રશિયન ક્રૂડ ખરીદી પર ટ્રમ્પની ભારત પર ભારે ટેરિફની ચેતવણી

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું છે કે ભારત રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે. એ સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો ભારત એવું નહીં કરે તો તેને ભારે ટેરિફ (કર) ચૂકવતા રહેવું પડશે. એરફોર્સ વન વિમાનમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું હતું  મેં PM મોદી સાથે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે તેઓ રશિયન તેલ અંગે હવે એવું નહીં કરે.

જોકે ભારતે એવો દાવો કર્યો હતો કે મોદી અને ટ્રમ્પ વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી, પોતાના વિમાન ‘એર ફોર્સ વન’માં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે આ સાથે ધમકી પણ આપી કે જો નવી દિલ્હી તેમની શરતો સ્વીકારશે નહીં અને રશિયાથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે, તો ભારતીય માલ પર તેઓ વિસ્તૃત સ્તરે ટેરિફ લગાવતા રહેશે.

ટ્રમ્પની આ ટિપ્પણી અમેરિકા દ્વારા રશિયા સાથેના વેપાર ભાગીદારો પર, ખાસ કરીને ઊર્જા ક્ષેત્રમાં, વધતા દબાણ વચ્ચે આવી છે. વોશિંગ્ટનનું કહેવું છે કે આ દેશો રશિયાથી તેલ ખરીદીને અપ્રત્યક્ષ રીતે યુક્રેનમાં મોસ્કોની જંગને ફંડિંગ કરી રહ્યા છે.

અમેરિકા ભારતમાંથી થતા નિકાસ પર 50 ટકા સુધીનો વ્યાપક ટેરિફ લગાવે છે, જે દુનિયાના અન્ય દેશોમાંથી સૌથી વધુ છે. તેમાં રશિયા સાથેના વેપાર માટે ભારત પર 25 ટકા દંડ પણ સામેલ છે.

ટ્રમ્પ વારંવાર કહી ચૂક્યા છે કે જો નવી દિલ્હી મોસ્કો સાથેના પોતાના ક્રૂડ ઓઇલના વેપારને નહીં રોકે તો ભારત પર લાગેલા આ ટેરિફ યથાવત્ રહેશે અથવા તેને વધુ વધારી દેવામાં આવશે.