મનિલાઃ મનિલામાં આસિયાન શિખર સંમેલન દરમિયાન યોજાયેલી ક્વાડ (QUAD) દેશોની મહત્વપૂર્ણ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં તેમને ‘ટફ મેન’ એટલે કે અત્યંત મજબૂત અને કડક નેતા ગણાવ્યા હતા. ક્વાડ નેતાઓની બેઠકમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના ટોચના નેતાઓ એકસાથે જોવા મળ્યાં હતાં. આ બેઠક બાદ તમામ નેતાઓએ પરંપરાગત ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો.
ક્વાડની આ મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બેનીઝ અને જાપાનનાં વડા પ્રધાન સાનાએ તાકાઈચી સામેલ થયાં હતાં. હિંદ-પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા, વ્યૂહાત્મક સહયોગ અને પ્રાદેશિક પડકારો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી.
વડા પ્રધાન મોદીએ શું કહ્યું?
ક્વાડ સમિટ દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે વર્ષ 2007માં મનિલામાં પ્રથમ ક્વાડ પ્લેટફોર્મની શરૂઆત થઈ હતી. તેમણે એ પણ જણાવ્યું હતું કે જાન્યુઆરી 2025થી ભારત અને અમેરિકાના વિદેશ મંત્રીઓ વચ્ચે પાંચ વખત બેઠક થઈ ચૂકી છે.
વડા પ્રધાને સપ્લાય ચેઇન અને સુરક્ષાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ક્વાડે આ પડકારોનો ઉકેલ આપવો જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આવનારાં વર્ષોમાં ક્વાડ પાસે મજબૂત લક્ષ્યાંકો હશે.
આ તમામ લોકો શાનદાર છેઃ ટ્રમ્પ
વડા પ્રધાન મોદીની પ્રશંસા કરતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ (વડા પ્રધાન મોદી) ખૂબ જ ટફ મેન છે. બની શકે છે કે તેઓ (જાપાનનાં વડાં પ્રધાન સાનાએ તાકાઈચી) તેમના કરતાં પણ વધુ મજબૂત હોય. અમે પણ ઠીક છીએ. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે આ લોકો અને આ દેશો સાથે શરૂઆતથી જ અમારા ખૂબ સારા સંબંધો રહ્યા છે. હું લાંબા સમયથી આ ત્રણેય સાથે જોડાયેલો રહ્યો છું. આ તમામ લોકો ખૂબ જ શાનદાર છે. તેઓ મારા મિત્રો છે. તેનાથી ઘણી મદદ મળે છે.”
US PRESIDENT Donald Trump : ‘ PM MODI IS A VERY TOUGH MAN’ 🔥 https://t.co/yI6qhULfRE
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) November 17, 2026
વર્ષ 2027માં યોજાશે ક્વાડ દેશોની આર્થિક બેઠક
ટ્રમ્પે કહ્યું હતું કે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના ક્વાડ જૂથના તમામ દેશો સાથે તેમના સારા સંબંધો છે. અમેરિકા આ જૂથમાં મોટા પાયે રોકાણ કરશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે વર્ષ 2027માં ક્વાડ દેશોની આર્થિક બેઠક યોજાશે.






