ગાંધીનગર: ભારતના ગ્લોબલ ફાઇનાન્સ-ટેક સિટી તરીકે ઓળખાતી ગિફ્ટ સિટી (GIFT City)ના નામે વધુ એક વૈશ્વિક સિદ્ધિ નોંધાઈ છે. સંયુક્ત રાષ્ટ્રની ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઓફિસ (UNDRR) દ્વારા ગિફ્ટ સિટીને ભારતના પ્રથમ ‘મેકિંગ સિટીઝ રેઝિલિયન્ટ 2030’ (MCR2030) રેઝિલિયન્સ હબ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ સાથે જ ગિફ્ટ સિટી એશિયા અને પેસિફિક ક્ષેત્રનું સૌથી નવું રેઝિલિયન્સ હબ બની ગયું છે.
આ માન્યતા અંગે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ સંજય કૌલે જણાવ્યું હતું કે, કોઈપણ ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટરની વિશ્વસનીયતા માટે આપત્તિ સામે ટકી રહેવાની ક્ષમતા (રેઝિલિયન્સ) અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતના પ્રથમ MCR2030 રેઝિલિયન્સ હબ તરીકે ગિફ્ટ સિટી હવે દેશ અને વિશ્વના અન્ય શહેરો સાથે આપત્તિ વ્યવસ્થાપન અને શહેરી સજ્જતાના પોતાના વ્યવહારુ અનુભવોની આપ-લે કરશે, જેથી નાણાકીય સ્પર્ધાત્મકતા અને સુરક્ષિત શહેરી વિકાસ એકસાથે આગળ વધી શકે.
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ના સહયોગથી ગિફ્ટ સિટી જુલાઈ 2022માં આ પહેલ સાથે જોડાયું હતું. રોડમેપના A અને B સ્ટેજ પૂર્ણ કર્યા બાદ હાલમાં તે C સ્ટેજ હેઠળ રેઝિલિયન્સ એક્શન પ્લાનના અમલીકરણ પર કામ કરી રહ્યું છે.
ગિફ્ટ સિટીની આપત્તિ વ્યવસ્થાપન પ્રણાલીમાં ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રૂપ, ઇન્સિડન્ટ રિસ્પોન્સ સિસ્ટમ અને સમર્પિત અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ભૂકંપ અને આગ જેવી કટોકટી સામે સજ્જતા ચકાસવા અત્યાર સુધીમાં 15થી વધુ મોકડ્રિલ યોજાઈ છે અને 36થી વધુ પ્રકારના કટોકટીના સાધનોનો સંગ્રહ કરાયો છે. આ ઉપરાંત, હવામાન વિભાગ અને NDMAના ‘સચેત’ પ્લેટફોર્મ આધારિત અર્લી-વોર્નિંગ સિસ્ટમ દ્વારા વોલ્યુન્ટિયર્સના નેટવર્ક મારફતે ત્વરિત ચેતવણી પહોંચાડવાની સુદ્રઢ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.






