નવી દિલ્હી: દેશના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગ સમૂહ ટાટા ગ્રુપની મુખ્ય સંસ્થા ‘ટાટા ટ્રસ્ટ્સ’માં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે વધુ ગંભીર બન્યો છે. ટાટા ટ્રસ્ટ્સના પૂર્વ ટ્રસ્ટી અને વરિષ્ઠ વકીલ ડેરિયસ જે. ખંબાતાએ ટ્રસ્ટના વાઇસ-ચેરમેન વેણુ શ્રીનિવાસન અને વિજય સિંહ પર આકરા પ્રહારો કર્યા છે. ડેરિયસે આક્ષેપ કર્યો છે કે બંને વાઇસ-ચેરમેને અન્ય ટ્રસ્ટીઓની સલાહ લીધા વિના ટાટા સન્સના સૂચિત લિસ્ટિંગ અંગે પોતાનું વલણ બદલી નાખ્યું છે અને તેમના આચરણ પર સવાલ ઉઠાવવા માટે ટ્રસ્ટીઓના ઠરાવોનો ‘પસંદગીયુક્ત’ ઉપયોગ કરી રહ્યા છે.
૧૭ નવેમ્બરના રોજ લખેલા એક કડક પત્રમાં ડેરિયસે ૧૧ નવેમ્બરે બંને વાઇસ-ચેરમેન દ્વારા તેમના પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (SDTT) અને સર રતન ટાટા ટ્રસ્ટ (SRTT) ના ટ્રસ્ટી પદેથી પુનઃનિયુક્તિનો ઇનકાર કરી ચૂકેલા ડેરિયસે સવાલ ઉઠાવ્યો છે કે, માર્ચ ૨૦૨૪, મે ૨૦૨૫ અને જુલાઈ ૨૦૨૫માં ટાટા સન્સના લિસ્ટિંગનો વિરોધ કર્યા બાદ એપ્રિલ ૨૦૨૬માં અચાનક બંનેએ પોતાનું વલણ કેમ બદલ્યું?
ખંબાતાએ લિસ્ટિંગની તરફેણમાં આપવામાં આવેલા ‘નોવો નોર્ડિસ્ક’ (Novo Nordisk)ના ઉદાહરણને પણ ભ્રામક ગણાવતા કહ્યું કે, તેનું માળખું આજના ટાટા સન્સ જેવું જ છે અને તે લિસ્ટિંગની વિરુદ્ધમાં એક મજબૂત દલીલ છે. તેમણે વધુમાં કહ્યું કે લિસ્ટિંગના ફાયદા કે ગેરફાયદાની ચર્ચા મીડિયા કે પત્રવ્યવહારને બદલે ટ્રસ્ટની બેઠકમાં થવી જોઈએ.
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનની ત્રીજી ટર્મ અંગેના વિવાદ પર સ્પષ્ટતા કરતા ડેરિયસે જણાવ્યું હતું કે, જુલાઈ ૨૦૨૫ની બેઠકમાં ચંદ્રશેખરને રજૂ કરેલા શાનદાર પ્રદર્શનના આંકડાઓથી પ્રભાવિત થઈને તેમણે તેમની પુનઃનિયુક્તિની તરફેણમાં મત આપ્યો હતો અને તેઓ તે ઠરાવને વફાદાર રહ્યા હતા. જોકે, ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ચંદ્રશેખરને પોતે ત્રીજી ટર્મ ન લેવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ ૧૩ ઓગસ્ટની બેઠકમાં તમામ ટ્રસ્ટીઓએ નવા ચેરમેનની પસંદગી માટે સમિતિ બનાવવા સંમતિ દર્શાવી હતી. ખંબાતાનો મુખ્ય વિરોધ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ટાટા સન્સ બોર્ડે જે રીતે નિર્ણય લીધો તે પદ્ધતિ સામે છે.
ટ્રસ્ટીઓની પુનઃનિયુક્તિ અંગેના ૧૭ ઓક્ટોબર ૨૦૨૪ના ઠરાવનો ઉલ્લેખ કરતા ડેરિયસે વળતો પ્રહાર કર્યો હતો કે, વેણુ શ્રીનિવાસન, વિજય સિંહ અને નોએલ ટાટાએ પોતે મેહલી મિસ્ત્રીની પુનઃનિયુક્તિ વિરુદ્ધ મતદાન કરીને આ ઠરાવનો ભંગ કર્યો હતો. તેમણે શ્રીનિવાસનને ટ્રસ્ટી પદેથી હટાવવાનું કાવતરું ઘડ્યું હોવાના આરોપોને પણ પાયાવિહોણા ગણાવ્યા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે તેમણે ઓક્ટોબર અને નવેમ્બર ૨૦૨૫ બંને વખતે શ્રીનિવાસનની પુનઃનિયુક્તિની તરફેણમાં જ મત આપ્યો હતો. અંતમાં ડેરિયસે જણાવ્યું હતું કે ટાટા સન્સ પર ટાટા ટ્રસ્ટ્સનું નિયંત્રણ એ ‘ટાટા મોડલ’નો મૂળ આધાર છે અને ટાટા સમૂહ તથા દેશના વિશાળ હિતમાં આ આંતરિક વિવાદોનો વહેલી તકે ઉકેલ આવવો જોઈએ.






