વિયેતનામ: જાણીતી ઓટોમોબાઈલ કંપની ‘વિનફાસ્ટ’ (VinFast) એ એક એવી ઇલેક્ટ્રિક કાર રજૂ કરી છે જેણે જૂના દિવસોની યાદો તાજી કરી દીધી છે. ટાટા મોટર્સે જે રીતે એક સમયે ભારતીય પરિવારો માટે ‘ટાટા નેનો’ દ્વારા સસ્તી અને કોમ્પેક્ટ કારનું સ્વપ્ન જોયું હતું, તેવી જ રીતે વિનફાસ્ટની નવી માઇક્રો ઇલેક્ટ્રિક કાર VF2 ઇલેક્ટ્રિક યુગની ‘નેનો’ સાબિત થઈ શકે છે.
આ નાની ઇલેક્ટ્રિક કાર ખાસ કરીને ભીડભાડવાળા શહેરી વિસ્તારો અને સાંકડા રસ્તાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. વિનફાસ્ટ VF2ની લંબાઈ આશરે ૩,૦૯૦ એમએમ, પહોળાઈ ૧,૪૯૬ એમએમ અને ઊંચાઈ ૧,૬૬૩ એમએમ છે, જે અદલ મૂળ ટાટા નેનો જેવા જ કોમ્પેક્ટ ડાયમેન્શન્સ ધરાવે છે. નાની હોવા છતાં આ કારમાં ચાર લોકો બેસી શકે છે.
કારની મુખ્ય વિશેષતાઓ
-
બેટરી અને રેન્જ: આ કારમાં ૧૮.૩ kWhની બેટરી પેક આપવામાં આવ્યું છે, જે ફુલ ચાર્જ કરવા પર અશરે ૨૧૦ કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે.
-
પાવર અને સ્પીડ: કારની ઇલેક્ટ્રિક મોટર 30kW (૪૦.૨ bhp) નો પાવર અને ૬૫ Nm ટોર્ક જનરેટ કરે છે. તેની ટોપ સ્પીડ ૮૦ કિમી/કલાક છે અને તેમાં ઇકો તથા નોર્મલ એમ બે ડ્રાઇવિંગ મોડ મળે છે.
-
ચાર્જિંગ: ડીસી ફાસ્ટ ચાર્જરની મદદથી આ કારની બેટરી માત્ર ૩૪ મિનિટમાં ૧૦થી ૭૦ ટકા સુધી ચાર્જ થઈ જાય છે.
-
ફીચર્સ અને સેફ્ટી: કારમાં ૭ ઇંચની ડ્રાઇવર ડિસ્પ્લે, એસી, ૧૩ ઇંચના એલૉય વ્હીલ્સ ઉપરાંત ડ્રાઇવર એરબેગ, એબીએસ (ABS), ટ્રેક્શન કંટ્રોલ અને ઇબીડી (EBD) જેવા સુરક્ષા ફીચર્સ આપવામાં આવ્યા છે.
હાલમાં વિનફાસ્ટ દ્વારા આ કારને ભારતમાં લોન્ચ કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જો તેને યોગ્ય કિંમતે ભારતીય બજારમાં ઉતારવામાં આવે તો તે શહેરી વિસ્તારોમાં રોજિંદા ઉપયોગ માટે ખૂબ જ લોકપ્રિય સાબિત થઈ શકે છે.






