નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોનિયા ગાંધી અને રાજીવ ગાંધીના પારિવારિક સંબંધો વિશે આપેલા નિવેદનની ટીકા કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે વળતો પ્રહાર કરતા જણાવ્યું છે કે ભય, ક્રોધ અને નફરતે ભાજપ અને આર.એસ.એસ.ના સમર્થકોને એવી જાળમાં જકડી રાખ્યા છે કે તેઓ પ્રેમ અનુભવવાથી વંચિત રહી ગયા છે.
તાજેતરમાં સોનિયા ગાંધીના પુસ્તક ‘બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ’ના વિમોચન પ્રસંગે રાહુલ ગાંધીએ પોતાના માતા-પિતાના સંબંધો વિશે વાત કરતા કહ્યું હતું કે, “દરેક ભોજન સમયે પાપાના ખોળામાં મમ્મી બેસતી હતી. મને લાગતું હતું કે આ એક સામાન્ય વાત છે.” તેમના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી અને ભાજપ-આર.એસ.એસ. દ્વારા તેની ટીકા કરવામાં આવી હતી.
આ ટીકાઓનો જવાબ આપતા સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, “ભય, ક્રોધ અને નફરતે ભાજપ અને આરએસએસના સમર્થકોના હૃદયમાં એક એવી જાળ વણી લીધી છે જે તેમને પ્રેમ અનુભવવાથી અને વ્યક્ત કરતા અટકાવે છે.” તેમણે ઉમેર્યું કે એક સાચા હિન્દુ તરીકે આ જાળમાંથી તેમને મુક્ત કરાવવા એ મારું કર્તવ્ય છે, જેથી તેઓ પણ જીવનમાં પ્રેમ અને અપનાવવાની સુંદરતાનો અનુભવ કરી શકે. પોતાના સંદેશના અંતે તેમણે ‘સત્યમ શિવમ સુંદરમ્’ લખ્યું હતું.






