દિલ્હી-NCRમાં ભૂકંપના જબરદસ્ત આંચકાઃ ભૂકંપની તીવ્રતા 4.4

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકો સવારે 9:04 કલાકે આવ્યો હતો. અને આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 હતી અને લગભગ આઠથી 10 સેકન્ડ સુધી રહી હતી. આ આંચકા લાગતાંની સાથે લોકો ઘરો અને ઓફિસોથી બહાર દોડી ગયા. આ ભૂકંપના આંચકા ગુરુગ્રામ, મેરઠ, શામલી અને ગાઝિયાબાદ સુધી અનુભવાયા હતા.

આ ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝઝ્ઝર નજીક હતું અને આંચકાઓને કારણે લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. આ આંચકાઓ બાદ અનેક લોકોએ ટીવી ચેનલો અને સોશિયલ મિડિયામાં તેમની પ્રતિક્રિયાઓ આપતાં જણાવ્યું હતું કે તેમને ખૂબ જ ડર લાગ્યો હતો. લોકોએ એકબીજાને સાવચેત રહેવા માટે અપીલ પણ કરી.

જ્યારે ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે ઘણા લોકો દિલ્હી-NCRમાં ઓફિસ જવા રસ્તામાં હતા. આ ભૂકંપની જાણકારી મળ્યા બાદ તેઓ પણ થોડા સમય માટે ભયભીત થઇ ગયા હતા.

દિલ્હીનો વિસ્તાર ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે અને તે ઝોન IVમાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ વિસ્તારમાં 4ની તીવ્રતા કરતાં અનેક ભૂકંપ આવી ચૂક્યા છે. વર્ષ 2022માં હરિયાણામાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

US જિયોલોજિકલ સર્વેના આંકડા મુજબ, છેલ્લાં 10 વર્ષોમાં દિલ્હીમાં પાંચથી વધુ તીવ્રતાનો કોઈ પણ ભૂકંપ નોંધાયો નથી.ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની એક વ્યક્તિએ કહ્યું હતું કે આ ભૂકંપના આંચકા બહુ જ તીવ્ર લાગ્યા, હું એક દુકાન પર હતો ત્યારે ભૂકંપ આવ્યો, એવું લાગ્યું કે કોઈ દુકાનને હિલાવી રહ્યું હોય.