આજે રાજ્યભરમાં મેઘરાબાજ બઘડાટી બોલાવી રહ્યા છે. ત્યારે ભાવનગરમાં બારેમેઘ ખાંગા થયા છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત ભાવનગર આજે સવારે 6થી 2 વાગ્યા સુધી 6 તાલુકામાં વરસાદ થયો છે.
આજે વહેલી સવારથી ભાવનગરના 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ ચોમાસાની જેમ વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. આ સાથે જ ખેડૂતોના ઉનાળું પાકને નુકસાન થયું છે.
ભાવનગરના મહુવામાં પણ ભારે વરસાદના પગલે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહુવા તાલુકામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. તો આસપાસના ગામોમાં નદીઓ ગાંડીતૂર બની હતી. મહુવાના ભાદ્રોડ ગામે પણ ધોધમાર વરસાદ થતા ભાદ્રોડી નદી બે કાંઠે વહેવા લાગી છે. જેના પગલે ગામ લોકોમાં ભય છે. નદીમાં પૂરની સ્થિતિ થતા નિચાણવાળા વિસ્તાર ખાલી કરવામાં આવ્યા છે.
- પાલીતાણા તાલુકામાં 7.28 ઈંચ વરસાદ
- જેસર તાલુકામાં 9.06 ઈંચ વરસાદ
- મહુવા તાલુકામાં 6.93 ઈંચ વરસાદ
- તળાજા તાલુકામાં 3.31 ઈંચ વરસાદ
- ગારીયાધાર તાલુકામાં 3.03 ઈંચ વરસાદ
- સિહોર તાલુકામાં 2.72 ઈંચ વરસાદ
