નવી દિલ્હી: નાણા મંત્રીં નિર્મલા સીતારમણ 23મી જુલાઈ, મંગળવારે સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. મોદી સરકારની ત્રીજી ટર્મનું આ પ્રથમ બજેટ છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું સતત સાતમું બજેટ છે. એવું માનવામાં આવે છે કે બજેટમાં મોદી સરકાર 2047 સુધીમાં વિકસિત ભારતની રૂપરેખા તૈયાર કરશે. બજેટમાં છેલ્લાં 10 વર્ષની સરકારની કામગીરી પણ દર્શાવવામાં આવશે. બજેટથી તમામ વર્ગને અપેક્ષાઓ છે, ખાસ કરીને મહિલાઓ, ખેડૂતો, વેપારી વર્ગ અને નોકરિયાત લોકોને. નાણાપ્રધાનનિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે તેમનું બજેટ ભાષણ શરૂ કરશે. નાણામંત્રી તરીકે આ તેમનું સતત સાતમું બજેટ હશે. આ સાથે તે આ સિદ્ધિ મેળવનાર સી. ડી, દેશમુખ પછી બીજા નાણાં મંત્રી બનશે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટ મુજબ, રાજકોષીય ખાધ, સરકારના ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત, ચાલુ નાણાકીય વર્ષમાં 5.1 ટકા રહેવાનો અંદાજ છે. ગયા નાણાકીય વર્ષમાં આ આંકડો 5.8 ટકા હતો. ટેક્સ વસૂલાતમાં ઉછાળાને કારણે સંપૂર્ણ બજેટ પહેલા કરતાં વધુ સારા અંદાજો આપે તેવી અપેક્ષા છે. સરકારે નાણાકીય વર્ષ 2025-26માં રાજકોષીય ખાધ જીડીપીના 4.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.
ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારનો આયોજિત મૂડી ખર્ચ રૂ. 11.1 લાખ કરોડ છે, જે ગયા નાણાકીય વર્ષમાં રૂ. 9.5 લાખ કરોડ હતો. વચગાળાના બજેટમાં 2024-25 માટે કુલ કર આવક રૂ. 38.31 લાખ કરોડ હોવાનો અંદાજ હતો, જે અગાઉના નાણાકીય વર્ષ કરતાં 11.46 ટકા વધુ છે. પ્રત્યક્ષ કર (વ્યક્તિગત આવકવેરા અને કોર્પોરેટ ટેક્સ)માંથી રૂ. 21.99 લાખ કરોડ અને પરોક્ષ કર (કસ્ટમ ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી અને જીએસટી)માંથી રૂ. 16.22 લાખ કરોડની આવક થવાનો અંદાજ છે.
નાણાકીય વર્ષ 2024-25માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન 11.6 ટકા વધીને રૂ. 10.68 લાખ કરોડ થવાનો અંદાજ છે. વચગાળાના બજેટ મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનું ગ્રોસ બોરોઇંગ બજેટ 14.13 લાખ કરોડ રૂપિયા હતું. સરકાર તેની રાજકોષીય ખાધને પહોંચી વળવા બજારમાંથી લોન લે છે. ઉધારના આંકડા પર બજારની નજર રહેશે. વચગાળાના બજેટ મુજબ વર્તમાન ભાવે ભારતનો જીડીપી (વાસ્તવિક જીડીપી અને ફુગાવાનો સરવાળો) વર્તમાન નાણાકીય વર્ષમાં 10.5 ટકા વધીને રૂ. 3,27,700 અબજ થવાનો અંદાજ છે.
વચગાળાના બજેટમાં RBI અને નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂ. 1.02 લાખ કરોડનું ડિવિડન્ડ મળવાની અપેક્ષા છે. આમાં વધારો કરવામાં આવશે, કારણ કે RBI મે મહિનામાં રૂ. 2.11 લાખ કરોડની સરપ્લસ ટ્રાન્સફર કરી ચૂકી છે. ઉપરાંત, જાહેર ક્ષેત્રના ઉપક્રમો પાસેથી રૂ. 43,000 કરોડ મળવાની અપેક્ષા છે.