સુરતઃ BRTS બસની ટિકિટમાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેનના ચેકિંગમાં ઘટના બહાર આવી છે. કોન્ટ્રેક્ટર પૈસા આપ્યા છતા ટિકિટ ન આપી હોવાનો ખુલાસો કર્યો છે. પાંડેસરા વિસ્તારમાં બસમાં સવાર તમામ મુસાફરો ટિકિટ વગર મળ્યા હોવાનું સામે આવ્યું છે. સત્તાવાળાઓએ બસના કંડકટરને બ્લેક લિસ્ટ કરી આકાર એજન્સીને દંડ ફટકાર્યો છે. અગાઉ પર કોન્ટ્રેકટરની ફરિયાદ કર્યાનો ચેરમેનનો દાવો છે.
સુરતમાં કોર્પોરેશનની સિટી બસ અને BRTSમાં ટિકિટ નહીં આપી મુસાફરોને બેસાડાતાં હોવાની ફરિયાદ પહેલાં પણ થઈ ચુકી છે. ત્યારે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને વિજિલન્સની ટીમને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી. પણ તેમનું કહેવું છે કે તેઓ જે રૂટ પર તપાસ કરવાના હતા. તે રૂટ ઉપર પહેલાં જ એજન્સીના મેનેજરે મેસેજ પાસ કરીને કંડક્ટરને સતર્ક કરી દીધા હતા. આ વાત ધ્યાને આવતાં અન્ય રૂટની બસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે પાંડેસરા રૂટ પર 205ની બસમાં ચેકિંગ કરતાં 60 મુસાફરો ટિકિટ વગર હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે જ મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ થયો. હાલ તો મેસેજ વાયરલ કરનાર મેનેજરને પણ બ્લેક લિસ્ટ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ કેસ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.
