રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય થતાં 6 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની શરૂઆત ભારે વરસાદ સાથે થઈ હતી, પરંતુ બાદમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં રાજ્યમાં હજુ પણ અનેક જિલ્લામાં વરસાદની ખેંચ છે. હવામાન વિભાગના આંકડા ચિંતાજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. રાજ્યના ૩૪માંથી ૧૧ જિલ્લામાં વાર્ષિક સરેરાશની સરખામણીએ ૫૦થી ૫૧ ટકા સુધી વરસાદની ઘટ નોંધાઈ છે.ચોમાસાની આ સિઝન દરમિયાન સમગ્ર રાજ્યમાં સરેરાશ સામાન્ય કરતાં 12% ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાત રીજનમાં સામાન્ય કરતાં 3% વધુ વરસાદ થયો છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની 33% ઘટ જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ(31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી) દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની શક્યતા છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આગામી દિવસોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હાલમાં સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારમાં 5.8 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારમાં વેલ-માર્ક્ડ લો-પ્રેશર એરિયા પણ સક્રિય છે, જે આગામી 24 કલાકમાં ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે.

3 અને 4 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં કેટલાંક સ્થળોએ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 અને 4 સપ્ટેમ્બરે રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. જ્યારે 5 અને 6 સપ્ટેમ્બરે પણ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી યથાવત્ છે.