દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાના વધારો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબર છે. સરકારે દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થા (DA)માં ત્રણ ટકાના વધારાને મંજૂરી આપી છે. આ નિર્ણયથી 1.6 કરોડ વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓને લાભ થશે. વધારેલું મોંઘવારી ભથ્થું 1 જુલાઈ, 2026થી લાગુ થશે.

હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 60 ટકા DA મળે છે. નવા વધારા બાદ તે વધીને 63 ટકા થઈ જશે. આથી કર્મચારીઓના દર મહિને મળતા પગારમાં વધારો થશે. પગારમાં કેટલો વધારો થશે તે કર્મચારીના મૂળ પગાર પર આધારિત રહેશે.

કોને મળશે લાભ?

વધારેલા DAનો લાભ આશરે 48 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને મળશે. આ વધારો જુલાઈ, 2025થી જૂન, 2026 સુધીના 12 મહિનાના સરેરાશ છૂટક મોંઘવારીના આંકડાઓને આધારે નક્કી કરવામાં આવ્યો છે.

પગારમાં કેટલો વધારો થશે?

ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂ. 44,900 હોય, તો 60 ટકા DAના હિસાબે તેને દર મહિને રૂ. 26,940 મળે છે. ત્રણ ટકાના વધારા બાદ 63 ટકા ડીએ મુજબ આ રકમ વધીને રૂ. 28,287 થશે.એટલે કે કર્મચારીને દર મહિને રૂ. 1347 વધારાના મળશે.

મોંઘવારી ભથ્થું (DA) શું છે?

ડીએ એટલે કે ડિયરનેસ એલાઉન્સ (Dearness Allowance), જેને મોંઘવારી ભથ્થું કહેવામાં આવે છે. વધતી મોંઘવારીથી સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને રાહત આપવા માટે આ ભથ્થું આપવામાં આવે છે. તેની ગણતરી કર્મચારીના મૂળ પગારના આધારે કરવામાં આવે છે. મોંઘવારી વધવાથી કર્મચારીઓની ખરીદશક્તિ પર અસર પડે છે. તેથી સરકાર સમયાંતરે DAમાં ફેરફાર કરે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોને તેનો લાભ મળે છે. જ્યારે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને DAનો લાભ મળશે કે નહીં તે તેમના પગારધોરણ અને કંપનીની નીતિઓ પર આધારિત છે.

વર્ષમાં બે વાર DAમાં થાય છે ફેરફાર

કેન્દ્ર સરકાર સામાન્ય રીતે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. આ ફેરફારો જાન્યુઆરી અને જુલાઈથી અમલમાં આવે છે. DAમાં કેટલો વધારો કરવો તે નક્કી કરવામાં છૂટક મોંઘવારીના આંકડાઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જોકે વધારાની જાહેરાત કઈ તારીખે કરવામાં આવશે તે સરકારના નિર્ણય પર આધારિત છે.