ગુજરાતમાં સાયક્લોનિક સ્ટોર્મ સક્રિય થતાં બે દિવસ માવઠાંની આગાહી

અમદાવાદ: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં આગાહી કરવામાં આવી છે. આગામી 3 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 29 અને 30 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

આગામી 24 કલાક સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. શહેરમાં હવામાન સાફ રહેશે અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ તેમજ લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.

બંગાળની ખાડીમાં એક સાઇક્લોનિક સ્ટોર્મ સક્રિય

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું કે, પવન ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશામાં ફૂંકાશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પવન ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશામાં 15થી 20 નોટની ઝડપે ગતિ કરશે. બંગાળની ખાડીમાં એક સાઇક્લોનિક સ્ટોર્મ સક્રિય છે, જે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને ભેજવાળા પવનોના કારણે દક્ષિણ ગુજરાત તરફ કન્વર્જન્સ સર્જાતા હળવા વરસાદની સ્થિતિ સર્જાઈ રહી છે.

  • 29 ઓક્ટોબર: નવસારી, વલસાડ, દમણ અને દાદરા નાગર હવેલીના અલગ-અલગ વિસ્તારોમાં હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા છે.
  • 30 ઓક્ટોબર: નવસારી, વલસાડ, દમણ, દાદરા નાગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદ/ગાજવીજની શક્યતા.
  • 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર: તમામ જિલ્લાઓમાં હવામાન ફરી સૂકું થઈ જશે.

‘અર્નબ’ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકશે

બંગાળની ખાડીમાં સર્જાયેલું અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું ‘અર્નબ’ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ મુજબ, બુધવારે આ વાવાઝોડું 125થી 135 કિમી/કલાકની ઝડપે (પવનની ગતિ 150 કિમી/કલાક સુધી પહોંચી શકે છે) આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકે તેવી પ્રબળ શક્યતા છે.