સ્પેનમાં મેડ્રિડથી દક્ષિણ અંડાલુસિયા વિસ્તારને જોડતી રેલવે લાઇન પર બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર થતાં 30 લોકોનાં મોત થયાના અહેવાલ છે. આ દુર્ઘટના બાદ રેલવે વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. સ્પેનના વડાપ્રધાન પેદ્રો સાંચેઝ સહિત વિપક્ષે પણ પોતાના કાર્યક્રમો અને ચૂંટણી પ્રચાર રદ કર્યા છે.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, સ્થાનિક સમય પ્રમાણે સવારે 9 વાગ્યા બાદ રેનફે (Renfe) અને ઇર્યો (Iryo) કંપનીની ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કરને કારણે ઇર્યો ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ અને ઘાયલોની સંખ્યા અંગે તપાસ ચાલી રહી છે.
ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી
પ્રાદેશિક ટેલિવિઝન પર દર્શાવાયેલા દૃશ્યોમાં એક ટ્રેન પાટા પરથી ઉતરેલી જોવા મળી હતી. રેલવે ટ્રેકની નીચે ઢાળ પર તૂટેલા પેનલ, વળેલી ધાતુ અને કાટમાળ જોવા મળ્યા હતાં. સ્થાનિક વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી માટે વ્યવસ્થા કરી છે. નજીકના શહેરમાં રમતગમતના હોલ સહિતની જગ્યાઓ પર મુસાફરો અને ઘાયલોને રાખવાની તૈયારી કરવામાં આવી હતી.
વડાપ્રધાને વ્યક્ત કરી સંવેદના
સ્પેનના વડાપ્રધાન પેદ્રો સાંચેઝે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે તેઓ પરિવહન મંત્રી અને પ્રાદેશિક સરકારના સંપર્કમાં છે. અસરગ્રસ્તોને મદદ પહોંચાડવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઇમરજન્સી સેવાઓ કામગીરી કરી રહી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે આ જ રેલવે લાઇન પર અગાઉ પણ ગંભીર અકસ્માત થયો હતો. જાન્યુઆરીમાં થયેલી એક દુર્ઘટનામાં ટ્રેન પાટા પરથી ઉતરીને સામેથી આવતી બીજી ટ્રેન સાથે અથડાઈ હતી, જેમાં 46 લોકોનાં મોત થયાં હતાં. તે ઘટના બાદ સ્પેનમાં રેલવે ટ્રેકની જાળવણી અને સુરક્ષા પાછળ કરવામાં આવતા રોકાણ અંગે ચર્ચા શરૂ થઈ હતી.






