શાહરૂખ ખાનને ધમકી, હરણનું કનેક્શન સામે આવ્યું

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળવાના કેસમાં હવે એક રસપ્રદ વળાંક આવ્યો છે. હવે આ કેસમાં પણ હરણનું કનેક્શન સામે આવ્યું છે. ગુરુવારે એવું સામે આવ્યું કે કોઈએ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશન પર ફોન કરીને શાહરૂખને મારી નાખવાની ધમકી આપી હતી. કેસની તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે આ કોલ રાયપુરથી કરવામાં આવ્યો હતો. જે નંબર પરથી કોલ કરવામાં આવ્યો હતો તે ફૈઝાન ખાન નામના વ્યક્તિનો છે.

ફૈઝાને કહ્યું કે તેનો ફોન 2 નવેમ્બરે ચોરાઈ ગયો હતો. પરંતુ હવે ફૈઝાને ચોંકાવનારો દાવો કર્યો છે. તેના દાવાને હરણના શિકાર સાથે કનેક્શન છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે સંબંધિત કાળિયાર શિકારનો મામલો 24 વર્ષ બાદ પણ ચર્ચામાં છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, જેણે સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી, તેણે શિકારના કેસને બોલીવુડના સુપરસ્ટાર સાથેની દુશ્મનીનું કારણ ગણાવ્યું છે.

મળતી માહિતી મુજબ, શાહરૂખ ખાનને ધમકાવવાના આરોપી ફૈઝાન ખાને કહ્યું છે કે તેણે શાહરૂખ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આથી તેને હવે ધમકીઓ આપવાના કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. ફૈઝાને કહ્યું કે તેણે શાહરૂખ વિરુદ્ધ ‘બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવા’ માટે ફરિયાદ નોંધાવી હતી. એક વીડિયોની લિંક શેર કરતા તેણે શાહરૂખ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ફૈઝાનનો આરોપ છે કે ફિલ્મ ‘અંજામ’ (1994)માં શાહરૂખે બતાવ્યું કે તેણે એક હરણને મારી નાખ્યું હતું અને તેણે તેના સ્ટાફને તે હરણનું માંસ રાંધીને ખાવાનું કહ્યું હતું. ફૈઝાનનો આરોપ છે કે ફિલ્મમાં આવા સીન બતાવવાથી બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ થઈ શકે છે. એક વીડિયોમાં ફૈઝાને આરોપ લગાવ્યો છે કે શાહરૂખના કેટલાક આતંકી તત્વો સાથે પણ કનેક્શન છે.