નવી દિલ્હીઃ દેશને 15મા ઉપરાષ્ટ્રપતિ મળવાના છે. જગદીપ ધનખડના રાજીનામા બાદ નવ સપ્ટેમ્બરે નવા ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણી થવાની છે. ભાજપની આગેવાનીવાળા NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે વિરોધ (INDIA) ગઠબંધને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ બી. સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે. આ વચ્ચે સુદર્શન રેડ્ડીને મોટો ઝટકો લાગ્યો છે.
નવીન પટનાયકની પાર્ટી- બિજુ જનતા દળે (BJDએ) ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય BJD સુપ્રીમો નવીન પટનાયકની અધ્યક્ષતામાં પાર્ટીના સાત રાજ્યસભાના સભ્યોની બેઠક પછી લેવામાં આવ્યો છે. BJD સાંસદ સસ્મિત પાત્રાએ મિડિયાથી વાતચીતમાં કહ્યું હતું કે બિજુ જનતા દળે કાલે થનારી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. બિજુ જનતા દળ NDA અને INDIA બન્ને ગઠબંધનથી સમાન અંતર રાખશે. અમારું ધ્યાન ફક્ત ઓડિશા અને ઓડિશાના 4.5 કરોડ લોકોના વિકાસ અને કલ્યાણ પર કેન્દ્રિત છે.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પર BJDનું વલણ અગાઉ બદલાતું રહ્યું છે. પાર્ટીએ 2012માં મતદાનથી પરહેજ કર્યો હતો, 2017માં વિરોધી ઉમેદવારને સમર્થન આપ્યું અને 2022માં NDAના ઉમેદવારને સમર્થન આપ્યું. કેન્દ્રીય આદિવાસી બાબતોના પ્રધાન જુએલ ઓરામે કહ્યું કે BJDનો મતદાનથી દૂર રહેવાનો નિર્ણય સ્વાગતયોગ્ય છે. તેમણે કહ્યું હતું કે આ NDA ઉમેદવારને આડકતરી મદદ સમાન છે.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનો સમય શું રહેશે?
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન મંગળવાર સવારે 10 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યે પૂરું થશે. નિર્વાચક મંડળમાં રાજ્યસભા અને લોકસભાના બધા સભ્યો સામેલ રહેશે. મતગણતરી એ જ દિવસ સાંજે 6 વાગ્યે શરૂ થશે. નિર્વાચક મંડળમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા સભ્યો (હાલમાં પાંચ બેઠકો ખાલી છે), રાજ્યસભાના 12 નિમણૂક કરાયેલા સભ્યો અને લોકસભાના 543 ચૂંટાયેલા સભ્યો (હાલમાં એક બેઠક ખાલી છે) સામેલ છે.
