રાવલપિંડીઃ પાકિસ્તાનના દક્ષિણ વઝીરિસ્તાનમાં આવેલી એક મસ્જિદમાં શુક્રવારે મોટો વિસ્ફોટ થયો હતો. આ છેલ્લા ચાર દિવસમાં પાકિસ્તાનમાં થયેલો ત્રીજો મોટો આતંકવાદી હુમલો છે. જિલ્લા પોલીસ અધિકારી આસિફ બહાદુરે જણાવ્યું હતું કે આઝમ વારસાક બાયપાસ રોડ પર આવેલી મૌલાના અબ્દુલ અઝીઝ મસ્જિદમાં બપોરે 1:45 વાગ્યે એક ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વિસ્ફોટ થયો હતો, જે મસ્જિદના ચબૂતરા પર મૂકવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં ચાર જણ ઘાયલ થયા હતા.
તેમણે જણાવ્યું, “વિસ્ફોટમાં જમિયત ઉલેમા ઇસ્લામ-ફઝલ (JUI) ના જિલ્લા પ્રમુખ અબ્દુલ્લા નદીમ ગંભીર રીતે ઘાયલ થયા હતા. JUI સાથે જોડાયેલા અન્ય ત્રણ લોકોને નાની-મોટી ઇજા પહોંચી છે. પોલીસ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં ઘાયલોની ઓળખ રહમાનુલ્લા, મુલ્લા નૂર અને શાહ બહેરાન તરીકે કરવામાં આવી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્ફોટ મસ્જિદમાં મૌલવી દ્વારા બનાવેલા મંચમાં થયો હતો. તેમણે જણાવ્યું કે રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ લોકોને વાના જિલ્લાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
અધિકારીએ જણાવ્યું પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પુરાવા એકત્રિત કરી રહી છે. JUI-Fના પ્રમુખે મસ્જિદમાં થયેલા વિસ્ફોટની નિંદા કરી છે અને જણાવ્યું કે રમઝાનના પવિત્ર મહિનામાં મસ્જિદની પવિત્રતાનું ઉલ્લંઘન થયું છે. ઘાયલ લોકોને વાના જિલ્લાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અધિકારીઓ મસ્જિદ પર થયેલા આ હુમલાની તપાસ કરી રહ્યા છે. હજુ સુધી કોઈ પણ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
