માલદીવની સંસદમાં જોરદાર હંગામો, સાંસદો વચ્ચે મારામારી થઈ

રવિવારે માલદીવની સંસદમાં સાંસદો વચ્ચે મોટી બબાલ થઈ હતી અને મારામારી પર ઉતરી આવ્યા હતા. શાસક પક્ષ અને વિરોધ પક્ષ એકબીજાને લાતો અને મુક્કા મારતા જોવા મળ્યા હતા. સત્તાધારી ગઠબંધન પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC) અને પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સ (PPM) અને વિપક્ષ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) ના સાંસદો વચ્ચે અથડામણ થઈ હતી. કેબિનેટ મંત્રીઓ માટે સંસદીય મંજૂરી મેળવવા માટે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ દ્વારા બોલાવવામાં આવેલા વિશેષ સત્રમાં આનાથી નોંધપાત્ર વિક્ષેપ થયો.

માલદીવના સ્થાનિક ઓનલાઈન ન્યૂઝ દ્વારા સોશિયલ સાઈટ X પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સંસદમાં હંગામો થયો હતો. સાંસદો વચ્ચે લાતો અને મુક્કાબાજી થઈ હતી. વાયરલ વીડિયો ક્લિપમાં કેટલાક સભ્યો એકબીજાને પોડિયમ પરથી નીચે ખેંચતા પણ જોવા મળે છે. PNC અને PPM એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે MDPનું ચાર સભ્યોની મંજૂરી રોકવાનું પગલું લોકોને પૂરી પાડવામાં આવતી સેવાઓમાં અવરોધ સમાન છે. તેમણે સ્પીકરના રાજીનામાની પણ માંગ કરી હતી. મુઇઝુના મુખ્ય સલાહકાર અને પીએનસી પ્રમુખ અબ્દુલ રહીમ અબ્દુલ્લાએ મંજૂરી વિના પણ મંત્રીઓની પુનઃનિયુક્તિના અધિકારનો બચાવ કર્યો અને કહ્યું કે તેમની મંજૂરીનો ઇનકાર કરવો એ “બેજવાબદારીભર્યું” પગલું હતું.