દરભંગાથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી, ઈમરજન્સી જાહેર

બુધવારે સાંજે દિલ્હીના IGI એરપોર્ટ પર તૈનાત તમામ સુરક્ષા એજન્સીઓ અચાનક એક્શનમાં આવી ગઈ જ્યારે તેમને ફોન પર માહિતી મળી કે દરભંગાથી નવી દિલ્હીની ફ્લાઈટમાં બોમ્બ છે. બાદમાં આ માહિતી ખોટી નીકળી, ત્યારબાદ તેને ફેક કોલ જાહેર કરવામાં આવ્યો. બધુ બરાબર જણાયા બાદ સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આઈજીઆઈ પોલીસ સ્ટેશન હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે બોમ્બ વિશે નકલી માહિતી આપનાર વ્યક્તિ કોણ હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, કંટ્રોલ રૂમમાં કોલ કરીને માહિતી આપવામાં આવી હતી કે દરભંગાથી નવી દિલ્હી આવી રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટ (SG 8946)માં બોમ્બ છે. આ માહિતી બાદ એરપોર્ટ પરની તમામ એજન્સીઓને સાંજે 5.50 વાગ્યે સંપૂર્ણ એલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી હતી. સાંજે 6.06 વાગ્યે પ્લેન લેન્ડ થતાં જ તમામ મુસાફરોને તરત જ નીચે ઉતારવામાં આવ્યા હતા. આ પછી પ્લેનને એવી જગ્યાએ લઈ જવામાં આવ્યું જ્યાં નજીકમાં અન્ય કોઈ પ્લેન નહોતા. અહીં પ્લેનની તલાશી લેવામાં આવી હતી. ઝીણવટભરી તપાસ બાદ માહિતી ખોટી હોવાનું બહાર આવ્યું હતું.