ચેમ્પિયન્સ ટ્રોફી : ફાઈનલ જીતનાર ટીમને મળશે કરોડો, હારનારી ટીમ પણ થશે માલામાલ

8 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કર્યું છે. આજે એટલે કે રવિવાર 9 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં ફાઇનલ મેચ રમાશે. આ ટાઇટલ મેચ જીતનાર ટીમને મોટી રકમ મળશે, જ્યારે હારનાર ટીમ પર પણ પૈસાનો વરસાદ થશે. ICC દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેની ઇનામી રકમની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી. ICC એ એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને 2.24 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 20 કરોડ રૂપિયાનું ઇનામ મળશે. જ્યારે ટાઇટલ મેચમાં હારનારી ટીમ પણ નિરાશ થઈને પાછી નહીં ફરે. રનર-અપ ટીમને 1.12 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 10 કરોડ રૂપિયાનું ઇનામ મળશે.

એટલું જ નહીં, ICC એ સેમિફાઇનલમાં હારેલી ટીમો પર પણ ઘણા પૈસા ખર્ચ્યા છે. પહેલી સેમિફાઇનલમાં ભારત સામે હારી ગયેલી ઓસ્ટ્રેલિયા અને બીજી સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગયેલી દક્ષિણ આફ્રિકાને દરેકને $560,000 મળશે. આ ટુર્નામેન્ટ માટે ICC એ 6.9 મિલિયન યુએસ ડોલરની ઇનામી રકમ નક્કી કરી હતી. 2017ની ટુર્નામેન્ટની સરખામણીમાં ઈનામની રકમમાં 53 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની દરેક મેચ મહત્વની હતી. ગ્રુપ તબક્કામાં દરેક મેચ જીતવા બદલ, વિજેતા ટીમને વધારાના 34 હજાર યુએસ ડોલર, એટલે કે લગભગ 30 લાખ રૂપિયા મળશે. આ સાથે, ટુર્નામેન્ટમાં ભાગ લેવા બદલ એક લાખ 25 હજાર યુએસ ડોલર પણ આપવામાં આવશે. આ વખતે ICC એ પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા ક્રમની ટીમો માટે પણ ઈનામી રકમ રાખી હતી. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ પાંચમા અને છઠ્ઠા સ્થાને હતા, જ્યારે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન સાતમા અને આઠમા સ્થાને હતા.