સુપ્રીમ કોર્ટે 1158 પ્રોફેસર, લાઈબ્રેરિયનની નિમણૂકો રદ કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પંજાબમાં થયેલી 1158 અસિસ્ટન્ટ પ્રોફેસર અને લાઈબ્રેરિયનની નિમણૂક રદ કરી છે. સુપ્રીમ કોર્ટે પંજાબ-હરિયાણા હાઈકોર્ટની ડિવિઝન બેંચ દ્વારા સપ્ટેમ્બર 2024માં આપવામાં આવેલા આ નિમણૂકને યોગ્ય ઠેરવતા નિર્ણયને રદ કર્યો છે. કોર્ટે જણાવ્યું કે આ નિમણૂક પ્રક્રિયા મનમાની હતી અને તેમાં નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આ પ્રક્રિયાને યોગ્ય ઠેરવવા માટે કોઈ સંતોષકારક કારણ પણ રજૂ કર્યું નથી.

શું છે મામલો?

સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને UGCના નિયમો અનુસાર નવી નિમણૂક પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ કર્યો છે. હકીકતમાં, સપ્ટેમ્બર 2024માં પંજાબ-હરિયાણા હાઈકોર્ટની ડિવિઝન બેંચે રાજ્ય સરકારને રાહત આપતાં સિંગલ બેંચના 2021ના આદેશને રદ કર્યો હતો. એ સમયે સિંગલ બેંચે 1158 પોસ્ટ માટેની ભરતી રદ કરી હતી. રાજ્ય સરકારે હાલના સમયે 609 ઉમેદવારોને નિમણૂક પત્ર આપી દીધા હતા, પણ માત્ર 135 ઉમેદવારોને જ પોસ્ટિંગ અને પગાર મળતો હતો.

પંજાબ સરકારને આંચકો

સિંગલ બેંચના આદેશ વિરુદ્ધમાં ડિવિઝન બેંચે યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો હતો. જેને કારણે માત્ર 135 ઉમેદવાર જ કામ પર હતા અને 484 ઉમેદવારો સ્ટેશનના એલોટમેન્ટની રાહ જોઈ રહ્યા હતા. પંજાબ સરકારે પણ કોર્ટને વિનંતી કરી હતી કે સરકારી કોલેજોમાં શિક્ષકોની ગંભીર અછત છે, તેથી બાકીના ઉમેદવારોને સ્ટેશનને ફાળવવાની મંજૂરી આપવામાં આવે. હાઈકોર્ટે સરકાર અને આ ઉમેદવારોની અપીલ મંજુર કરી હતી અને સિંગલ બેંચના આદેશને રદ કરતાં જોડાણ માટે મંજૂરી આપી હતી. પરંતુ આ મુદ્દો અંતે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને હવે અંતિમ નિર્ણયમાં તમામ નિમણૂકો રદ કરવામાં આવી છે.