ભારતમાં હિન્દુઓની વસ્તીમાં 7.82 ટકાનો ઘટાડો થયો છે. સાથે જ મુસ્લિમોની સંખ્યામાં પણ વધારો થયો છે. સરકારી પેનલે 65 વર્ષનો અભ્યાસ કર્યો છે, જેમાં આ વાત સામે આવી છે. માત્ર ભારતમાં જ નહીં નેપાળ અને મ્યાનમારમાં પણ હિન્દુઓની સંખ્યા ઘટી છે. અભ્યાસ મુજબ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મુસ્લિમોની સંખ્યામાં વધારો થયો છે. બાંગ્લાદેશમાં મુસ્લિમોની વસ્તીમાં 18 ટકાનો વધારો થયો છે જ્યારે પાકિસ્તાનમાં આ આંકડો 10 ટકા છે.
આ અભ્યાસ 1950 અને 2015 વચ્ચે ભારતમાં વસ્તી વિષયક ફેરફારો વિશે માહિતી પ્રદાન કરે છે. ભારતમાં એક તરફ હિંદુઓની સંખ્યામાં ઘટાડો થયો છે, તો બીજી તરફ લઘુમતી મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને શીખોની સંખ્યામાં વધારો થયો છે. 1950 અને 2015 ની વચ્ચે ભારતમાં મુસ્લિમ વસ્તીમાં 43.15%નો વધારો થયો છે. જ્યારે ખ્રિસ્તીઓમાં 5.38%નો વધારો, શીખોમાં 6.58% અને બૌદ્ધોમાં થોડો વધારો જોવા મળ્યો હતો.
અભ્યાસ શું કહે છે?
અભ્યાસ મુજબ 1950માં હિન્દુઓની વસ્તી 84.68% હતી જે 2015માં ઘટીને 78.06% થઈ ગઈ. મ્યાનમાર બાદ ભારતમાં હિન્દુઓની વસ્તી સૌથી વધુ ઘટી છે. મ્યાનમારમાં પણ હિંદુઓની વસ્તીમાં 10%નો ઘટાડો થયો છે. 167 દેશોમાં કરવામાં આવેલા સર્વેમાં આ સૌથી વધુ છે. માલદીવ સિવાય ભારતીય ઉપખંડના તમામ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં તેમનો હિસ્સો વધ્યો છે.
1971માં અસ્તિત્વમાં આવેલા બાંગ્લાદેશમાં મુસ્લિમોની વસ્તીમાં 18 ટકાનો વધારો થયો છે. બહુમતી ધાર્મિક જૂથના હિસ્સામાં આ સૌથી મોટો વધારો છે. પાકિસ્તાનમાં મુસ્લિમોની સંખ્યામાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. નેપાળમાં ત્રણ મુખ્ય ધર્મોમાંથી બહુમતી હિંદુ વસ્તીનો હિસ્સો 4 ટકા ઘટ્યો, જ્યારે બૌદ્ધ વસ્તીનો હિસ્સો 3 ટકા ઘટ્યો, જ્યારે મુસ્લિમ વસ્તીમાં 2 ટકાનો વધારો થયો.