દાંડી દરિયા કાંઠે ડૂબતા ચારેયના મૃતદેહ મળ્યા

સુરત: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી ગામે અરબી સાગરના કિનારે નજીકના વિસ્તારો અને આજુ બાજુના જિલ્લામાંથી લોકો મોટી સંખ્યામાં ટહેલવા આવે છે. ખાસ કરીને રવિવારે અહીં ભારે ભીડ રહે છે. ગઇ કાલે 12 મેના રવિવારે પણ દરિયાકિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ આવ્યા હતા. બપોરે દોઢ વાગ્યા આસપાસ 7 લોકો દરિયાની ભરતીના પાણીમાં તણાઇ ગયા હતાં. કાંઠા પર બચાવ કામગીરી માટે સ્થિત હોમગાર્ડનેમાહિતી મળતા તરત તેઓએ બચાવ કાર્ય આદરી વિમલભાઈ ઇશ્વરભાઇ હળપતિ  ( ઉ.વ.૨૫) , રાકેશભાઈ જીતેશભાઈ (ઉ.વ. ૧૫)  તથા અતિષભાઈ જીતેશભાઈ (ઉ.૨૦) આ ત્રણેયને બચાવી લીધા હતાં. જ્યારે ચાર જણા લાપતા હતા.

નવસારી નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા દાંડી થી ઓંજલ વચ્ચેનો દારીયાકાંઠો તથા દાંડી થી વાંસી-બોરસી તરફનો કાંઠો તેમજ વચ્ચે આવતી પૂર્ણા નદીની ખાડીના વિસ્તારમાં શોધખોળ કરવામાં હતી પણ મોડી રાત સુધી કોઈ ભાળ મળી ન હતી. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ દ્વારા ગાંધીનગરમાં જાણ કરતા SDRF (STATE DISASTER RESPONSE FORCE)ની ટીમ આવી પહોંચી હતી. નવસારી ધોલાઈ બંદર સ્થિત મરીન કમાંડોની ટીમ દ્વારા દાંડી ખાતે તથા સ્થાનિક આગેવાનો અને તેઓના ATV (ઓલ ટેરેન વ્હીકલ) દ્વારા ઓંજલથી લઈને પુર્ણા નદીની ખાડી સુધીના વિસ્તારમાં શોધખોળની કામગીરી હાથ ધરી હતી.

સોમવારે વહેલી સવારે 4 ગુમ થયેલ લોકો પૈકી દક્ષુ ગોપાળભાઈ વર્મા  (ઉ.વ.૧૧) તથા સુશીલાબેન ગોપાળભાઈ વર્મા ( ઉ.વ.૪૦)ના મૃતદેહ દાંડી અને ઓંજલ વચ્ચેના તટમાંથી મળી આવ્યા હતા. આ ઉપરાંત SDRF, મરીન કમાંડો તથા ફાયર વિભાગની ટીમને પૂર્ણા નદીની ખાડી અને વાંસી-બોરસીના તટના વિસ્તારમાંથી યુવરાજ ગોપાળભાઈ વર્મા (ઉ.વ.૧૬) તથા દુર્ગા રોશનસીંગ રાજપુત ( ઉ.વ.૧૭ )ના મૃતદેહો મળી આવ્યા હતા. આ ચારેય મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જઇ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ઘટનાને પગલે દાંડી દરિયાકિનારો રવિવારે ખાલી કરાવી દેવાયો હતો. સમગ્ર ઘટના સુરક્ષામાં પણ ખામી હોવાને કારણે સર્જાઈ હોવાની લોકચર્ચા ચાલી રહી છે.

(અરવિંદ ગોંડલિયા, સુરત)