ગુજરાતમાં વર્તમાન ડીજીપી વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. સહાયને છ મહિનાનું એક્સ્ટેન્શન્સ આપવામાં આવ્યું છે. આમ તો છેલ્લા થોડા સમયથી ગુજરાત પોલીસ વિભાગમાં આગામી સમયમાં મોટા ફેરફારોને અટકળો ચાલી રહી હતી. અને રાજ્યના સૌથી વરિષ્ઠ IPS અધિકારી અને વર્તમાન પોલીસ વડા (DGP) વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન મળી શકે છે તેવી અટકળો ચાલી રહી હતી, જે છેવટે સાચી સાબિત થઈ છે.
જોકે, આ અગાઉ છેલ્લા બે દિવસથી પોલીસ બેડામાં ચાલતી અટકળો અનુસાર અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર જી.એસ. મલ્લિકનું નામ નવા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) પદ માટે મોખરે ચાલી રહ્યું હતું. તેના પર હવે હાલ પૂરતું પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે.
ડીજીપી વિકાસ સહાય આજે 30 જૂને નિવૃત્ત થવાના હતા. તેમને વિદાયમાન આપવા માટેની તૈયારીઓ પણ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. પરંતુ બપોર બાદ સમાચાર આવ્યા કે સહાયને ત્રણ મહિના માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જોકે, આ અગાઉ આજે સવારથી એવી ચર્ચા થઈ રહી હતી કે વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં નહીં આવે અને તેમના સ્થાને કોને ડીજીપી બનાવવા તેની છેલ્લી ઘડીની વિચારણા ચાલી રહી છે. આ માટેના સંભવિત નામો પણ વહેતાં થયાં હતાં જેમાં અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલ્લિકનું નામ હોવાનું પણ ચર્ચાતું હતું.
