અરુણાચલમાં ભાજપની હેટ્રિક, 46 બેઠકો જીતી

અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ત્રીજી વખત જીત મેળવીને સત્તામાં પરત ફર્યું છે. 60 સભ્યોની વિધાનસભામાં ભાજપે 46 બેઠકો જીતી છે. ભાજપને 2019ની સરખામણીમાં ચાર વધુ બેઠકો મળી છે. રવિવારે યોજાયેલી મત ગણતરીમાં ભાજપે વિરોધ પક્ષો ખાસ કરીને કોંગ્રેસને કારમી હાર આપી છે. ચૂંટણી પરિણામોમાં, એનપીપીએ 5, એનસીપી 3 અને પીપીએ 5, કોંગ્રેસને એક અને અપક્ષોએ ત્રણ બેઠકો જીતી છે.

જીત બાદ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જંગી જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે સરહદી રાજ્યના લોકોનું સમર્થન દર્શાવે છે. 44 વર્ષીય ખાંડુ દેશના સૌથી યુવા મુખ્યમંત્રી પણ છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ એક ફિનિશ્ડ ફોર્સ છે. અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસ લાંબા સમયથી સરકાર ચલાવી રહી હતી. તેણે એક ભ્રષ્ટ તંત્ર સ્થાપિત કર્યું હતું. કોંગ્રેસના તત્કાલીન કેન્દ્રીય નેતાઓએ ક્યારેય લાંચ વગર કોઈ કામ મંજૂર કર્યું ન હતું, પરંતુ ભાજપે શાસનનો વૈકલ્પિક માર્ગ પૂરો પાડ્યો હતો.