મલેશિયામાં થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે સમાધાન, ચીન-અમેરિકાએ કરી મદદ

મલેશિયા: થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે છેલ્લા કેટલાંક દિવસોથી ચાલી રહેલા યુદ્ધ બાદ અંતે તત્કાલ અને શરત વિના સીઝફાયર થયુ છે. મલેશિયન વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે જાહેરાત કરી હતી કે, થાઈલેન્ડ અને કંબોડિયા અનેક દિવસોથી ચાલી રહેલા સરહદ સંઘર્ષનો અંત લાવવા તાત્કાલિક અને શરતો વિના યુદ્ધવિરામ પર સહમત થયા છે. મલેશિયા દ્વારા મધ્યસ્થી બાદ થાઈલેન્ડ અને કંબોડિયા સીઝફાયર માટે સહમત થયા છે. બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા કરાવવા માટે અમેરિકાની એક ટીમ પણ મલેશિયા પહોંચી હતી.કંબોડિયન વડાપ્રધાન હુન માનેટ અને થાઈલેન્ડના કાર્યકારી વડાપ્રધાન ફુમથમ વેચાયાચાઈએ મલેશિયાના પુત્રાજયામાં ઈબ્રાહિમના નિવાસ સ્થાને યોજાયેલી શાંતિ મંત્રણામાં ભાગ લીધો હતો. જેમાં ચીન અને અમેરિકાના રાજદૂત પણ ઉપસ્થિત રહ્યા હતા.

કયાં મુદ્દે વિવાદ થયો હતો?

બંને દેશો વચ્ચે 24 જુલાઈના રોજથી તણાવ વધ્યો હતો. 24 જુલાઈના રોજ થાઈલેન્ડે કંબોડિયાના અનેક ઠેકાણે એફ-16 ફાઈટર પ્લેનની મદદથી બોમ્બ ફેંક્યા હતાં. મે મહિનાના અંતમાં થયેલી સરહદી અથડામણમાં એક કંબોડિયન સૈનિકની હત્યા બાદ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે તણાવ વધ્યો છે. દાયકાઓથી ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુરુવારે બંને દેશો વચ્ચે ફરી યુદ્ધ શરૂ થયુ હતું. માત્ર ચાર દિવસમાં, દક્ષિણ-પૂર્વ એશિયાઈ પડોશી દેશો વચ્ચે એક દાયકા જૂનો વિવાદ ફરી પાછો ઉગ્ર બન્યો હતો.

આ યુદ્ધમાં 30ના મોત

કંબોડિયા-થાઈલેન્ડ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધી 30થી વધુના મોત થયા છે. જેમાં થાઈલેન્ડના 13 અને કંબોડિયાના 8 નાગરિકોનો સમાવેશ છે. અધિકારીઓ જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારોમાંથી 2,00,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ટ્રમ્પે ગઈકાલે નિવેદન આપ્યું હતું કે, મારૂ માનવું છે કે થાઈલેન્ડ અને કંબોડિયા બંને પોતાના મતભેદો ઉકેલવા માગે છે કારણ કે અમે બંને દેશોના નેતાને ચીમકી આપી છે કે, જ્યાં સુધી બંને દેશો આ યુદ્ધ સમાપ્ત નહીં કરે ત્યાં સુધી અમે તેમની સાથે વેપાર સોદા કરીશું નહીં.થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેની 817 કિમી લાંબી જમીની સરહદ, કેટલાંક પોઈન્ટસ પર દાયકાઓથી વિવાદમાં છે. જેમાં પ્રાચીન હિન્દુ મંદિર તા મોન થોમ અને 11મી સદીના પ્રીહ વિહારની માલિકી વિવાદનું મુખ્ય કારણ છે. પ્રીહ વિહારને 1962માં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત દ્વારા કંબોડિયાને સોંપવામાં આવ્યો હતું. પરંતુ 2008માં જ્યારે કંબોડિયાએ તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સૂચિબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે તણાવ વધ્યો અને વર્ષો સુધી અથડામણો ચાલી, જેમાં લગભગ એક ડઝન લોકો માર્યા ગયા. જૂનમાં, કંબોડિયાએ કહ્યું કે તેણે વિશ્વ અદાલતને થાઇલેન્ડ સાથેના તેના વિવાદોનું સમાધાન કરવા વિનંતી કરી છે. જ્યારે થાઇલેન્ડ કહે છે કે, તેણે ક્યારેય કોર્ટના અધિકારક્ષેત્રને માન્યતા આપી નથી અને દ્વિપક્ષીય અભિગમ પસંદ કરે છે.