સાબરકાંઠા: દરેક પ્રાંત રાજ્ય દેશની પોતાની એક પરંપરા આસ્થા માન્યતાઓ હોય છે. એક પ્રાંત કે રાજ્યમાં જ જુદી-જુદી માન્યતાઓ જોવા મળે. એવું જ ગુજરાતના સાબરકાંઠાના પોશીનામાં જુદી-જુદી જગ્યાએ માટીના ઘોડા વૃક્ષ નીચે કે દેવસ્થાને જોવા મળે છે. માટીના આ ઘોડાને “ટેરાકોટા હોર્સ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માટીના ઘોડા માટે દેશમાં સૌથી વધુ પ્રખ્યાત હોય તો ગુજરાત રાજ્યનો પોશીનાનો વિસ્તાર, જ્યાં ગ્રામીણ વિસ્તારની આ સંસ્કૃતિમાં માટીના ઘોડાઓને પૂજવામાં આવે છે.અહીંના લોકો માનતા કે બાધા રાખી હોય એ જ્યારે પૂર્ણ થાય ત્યારે માટીના ઘોડા એમની શ્રધ્ધાની જગ્યાએ મુકતા હોય છે.
સ્વરક્ષા, ખેતીની રક્ષા હોય કે પશુની રક્ષા માટે આદિવાસી લોકો તુંબરાજ બાવજી, ભાખર બાવજી, કરૂ બાવજી, અંઘાસી માતા, દેવી માતા, ભાડેર બાવજી અને રખવાળ બાવજી સહિતના દેવ અને દેવીઓને માટીના ઘોડા ચડાવી નવા વર્ષે સુખ-શાંતિની પ્રાર્થના કરતા હોય છે. આપણા ગ્રામ્ય દેવતાઓ કે જે આપણી રક્ષા કરે છ. એમની પૂજા કરી શ્રધ્ધાપૂર્વક માટીના ઘોડા દેવોને અર્પણ કરવામાં આવે છે.આદિવાસી લોકો જે કામ કરે છે એ સહજ હોય છે. પોશીના વિસ્તારમાં માટીના ઘોડાઓ ભીલ-ગરાસિયા દેવને ચઢાવે છે. અહીં માન્યતા પ્રમાણે ઘોડાને જીવંત ઘોડા જેટલું જ માન આપવામાં આવે છે. આ ઘોડા બનાવનાર કુંભાર કહે છે, ‘ભાઈ, અમે તો આઠ વસ્તુનો એક ‘જીવ’ કરીએ.’
ગુજરાતમાં ઠેર-ઠેર આવા માટીનાં ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ, સ્ત્રી અને એમના અવયવો કેટલીક જાતિના લોકો ચઢાવે છે. તૈયાર થયેલી કેટલીક આકૃતિઓ દેવને ચઢાવે છે. આ પંથકમાં બહારથી આવતાં લોકો આ માટીના કળાત્મક ઘોડાઓના વૃક્ષ નીચે કે દેવસ્થાન પર એક સાથે ખડકલાં જોઇ અચંબિત થઇ જાય છે.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)
