નવી દિલ્હીઃ અમેરિકાએ ચાઇનીઝ માલસામાન પર 10 ટકા ટેરિફ લાગુ કર્યા, એના જવાબમાં ચીને તત્કાળ જવાબી કાર્યવાહી કરતાં અમેરિકી માલસામાન પર 10 ટકાથી 15 ટકા સુધી ટેરિફ લગાવવાનું એલાન કરી દીધું હતું. ચીને કહ્યું હતું એ 10 ફેબ્રુઆરીથી અમેરિકી કોલસા અને LNG પર 15 ટકા વધારાનો ટેક્સ લગાવશે અને ક્રૂડ ઓઇલ, કૃષિ મશીનરી, મોટા વિસ્થાપનવાળી ઓટોમોબાઇલ અને પિકઅપ ટ્રકો પર 10 ટકા ટેરિફ લગાવશે.
ચીનેની કેબિનેટની સ્ટેટ કાઉન્સિલના સીમા શૂલ્ક ટેરિફ પંચે કહ્યું હતું કે અમેરિકા તરફથી એ એકતરફી ટેરિફ વધારો WTOના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરે છે અને સામાન્ય રીતે ચીન-અમેરિકા આર્થિક અને વેપાર સહયોગને નબળો કરે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લગાવવાના નિર્ણયથી સ્થાનિક વેપારીઓ સામે મોટી સમસ્યા ઊભી થઈ છે. જોકે હાલ ટ્રમ્પ થોડા નરમ પડ્યા છે, કેમ કે મેક્સિકોના રાષ્ટ્રપતિએ ટ્રમ્પ સાથે વાત કરી છે તો ખુદ ટ્રમ્પે કેનેડાના PM જસ્ટિન ટ્રુડો સાથે ફોન પર વાત કરી છે.
મેક્સિકોના રાષ્ટ્રપતિ શીનબામે જણાવ્યું હતું કે તેમણે ટ્રમ્પ સાથે વાત કરી છે અને તેઓ મેક્સિકો પર ટેરિફને તત્કાળ અસરથી એક મહિના સુધી રોકવા માટે સહમત થયા છે. તેમણે કહ્યું હતું કે મેક્સિકો અમેરિકામાં ડ્રગ્સની દાણચોરીથી બચવા માટે તત્કાળ સીમા પર 10,000 નેશનલ ગાર્ડ તહેનાત કરશે. એ માટે ટ્રમ્પને તેમણે આશ્વાસન પણ આપ્યું છે.