સ્ટેશન પર સૂવાનો વારો આવ્યો હતો તારક મહેતા ફેમ આ એક્ટરને

મુંબઈ: ગુરુચરણ સિંહે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મિ.રોશન સોઢીની ભૂમિકા ભજવી હતી અને આ ભૂમિકામાં તેમને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા. આ વર્ષના એપ્રિલ મહિનામાં જ્યારે તેના ગુમ થવાના સમાચાર આવ્યા ત્યારથી તે ખુબ જ ચર્ચામાં છે. જોકે, ગૂમ થયાના 25 દિવસ બાદ અભિનેતા ઘરે પરત ફર્યા, ત્યારે બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે તેમણે ખુલાસો કર્યો છે કે જ્યારે તે ગુમ થયા ત્યારે કેવી પરિસ્થિતિનો સામનો કર્યો હતો.

ગુરુચરણ સિંહે કહ્યું કે આ દરમિયાન તે રેલવે અને બસ સ્ટેશન પર રાત વિતાવતા હતા. તેમણે લગભગ 17 દિવસ એક જ પેન્ટ પહેરી કાઢ્યા હતાં. ઘણી વખત તેણે ભીના કપડા પણ પહેરવા પડ્યા હતા કારણ કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેની પાસે હોટલમાં રહેવાના પૈસા નહોતા. તેમણે જનરલ ડબ્બામાં પણ મુસાફરી કરી અને તેને કોઈ ઓળખી પણ શક્યું નહોતું.

ગુરુચરણ સિંહે પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું,’સફર દરમિયાન સંપૂર્ણ ઊંઘ લેવા માટે હું જનરલ ટિકિટ લઈને જનરલ ડબ્બામાં મુસાફરી કરતો હતો. રાત વિતાવવાની જગ્યા ન હોય ત્યારે હું ક્યારેક રેલવે સ્ટેશન કે બસ સ્ટોપ પર સૂઈ જતો. જો કે, ઘણા કારણોસર રાત્રે સારી ઊંઘ નથી આવી શકતી. ટિકિટ કલેક્ટરોએ પણ મને ક્યારેય ઓળખ્યો નહીં.

TMKOC અભિનેતાએ કહ્યું કે તે દર બીજા દિવસે તેની ટી-શર્ટ ધોતો હતો અને ફરીથી પહેરતો હતો.ઘણી વખત તેણે ભીના કપડા પણ પહેરવા પડ્યા કારણ કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેણે એ પણ જણાવ્યું કે તેણે 17 દિવસ સુધી આ જ ટ્રાઉઝર પહેર્યું હતું.

51 વર્ષીય ગુરુચરણ સિંહ ઘરે પાછા ફરવા માંગતા ન હતા, પરંતુ તેમણે કહ્યું કે ભગવાને તેમને સંકેત આપ્યો હતો તેથી તેઓ પાછા આવ્યા. તે જાણીતું છે કે તે 22 એપ્રિલે દિલ્હીથી મુંબઈ જવાના હતા, પરંતુ તે એરપોર્ટ પર પહોંચ્યા ન હતા. તેના ગુમ થયા બાદ તપાસમાં જાણવા મળ્યું કે તે દેવુામાં ડૂબી ગયા હતા અને તેણે બહુવિધ ઈમેલ આઈડીનો ઉપયોગ કર્યો હતો. જ્યારે તે 18 મેના રોજ ઘરે પરત ફર્યા ત્યારે તેણે જણાવ્યું કે તે આધ્યાત્મિક યાત્રા પર ગયા હતા.

ગુરુચરણ સિંહે એમ પણ કહ્યું કે તેમના જ લોકોએ તેમને નુકસાન પહોંચાડ્યું. જ્યારે તેની પાસે પૈસા હતા ત્યારે તે બધાને મદદ કરતો હતો. તે ડ્રાઈવરને 50 હજાર રૂપિયા સુધી આપતો હતો અને જ્યારે તેનું ઘર બની રહ્યું હતું ત્યારે રસોઈયાને આર્થિક મદદ પણ કરતો હતો. તેમણે કહ્યું કે કોઈએ ઉધાર ન લેવું જોઈએ કારણ કે આ પછી તમે લોન પછી લોન લેતા રહો છો.