જમ્મુ-કાશ્મીરના ડોડામાં સંદિગ્ધ વિસ્ફોટઃ બેની ધરપકડ

જમ્મુ-કાશ્મીરઃ ડોડા જિલ્લામાં ગુરુવારે સંદિગ્ધ વિસ્ફોટ થતા વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. આ વિસ્ફોટ ડોડામાં જમઈ મસ્જિદ પાસે ડુમરી મહોલ્લામાં થયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, એમ સૂત્રોએ જણાવ્યું છે. આ મામલે વધુ વિગતની રાહ જોવામાં આવી રહી છે.

આ સંદર્ભમાં બે લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જન સુરક્ષા અધિનિયમ (PSA) હેઠળ આમ આદમી પાર્ટી (AAP)ના વિધાનસભ્ય મહેરાજ મલિકની ધરપકડ બાદ 80થી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને પ્રદર્શનકારીઓ તથા સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણો થયા બાદ જિલ્લામાં તથા આસપાસના વિસ્તારોમાં તણાવનો માહોલ છે.

ડોડા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પ્રતિબંધ લાગુ છે. જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે મોબાઇલ ઇન્ટરનેટ અને વાઇફાઇ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા સોમવારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે, જેને કારણે પૂર્વ પરવાનગી વગર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે રાતભર સ્થિતિ શાંતિપૂર્ણ રહી હતી. કોઈ નવા વિરોધ પ્રદર્શનની માહિતી મળી નથી. તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા દળો સતર્કતા રાખી રહ્યા છે.

પોલીસે ગુરુવારે AAPના ડોડા થી વિધાનસભ્ય મહેરાજ મલિકની કસ્ટડીના વિરોધમાં કરવામાં આવેલા વિરોધ મોર્ચાને નિષ્ફળ બનાવ્યો છે. રાજ્યસભા સભ્ય સંજય સિંહ સહિત પાર્ટી સભ્યોને સર્કિટ હાઉસમાંથી બહાર જવા દેવામાં આવ્યા નથી. સિંહ અન્ય AAP સભ્યો સાથે બુધવારે શ્રીનગર પહોંચ્યા હતા.

AAP સભ્યો શહેરના સોનવાર વિસ્તારમાં સર્કિટ હાઉસમાં રોકાયા હતા. જોકે સર્કિટ હાઉસની બહાર પોલીસની એક ટુકડી તહેનાત કરવામાં આવી હતી અને તેનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે સિંહ અને પાર્ટીના અન્ય સભ્યો સર્કિટ હાઉસમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેમને બહાર જવા દીધા નહોતા.