સુરતમાં સુડોકુ ,રૂબીક ક્યૂબ તથા ચેસ પઝલ સ્પર્ધાનું આયોજન

સુરત: ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશનના ઉપક્રમે અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સહયોગથી એક સ્પર્ધા યોજાઈ. સ્વ. ડૉ નાનુભાઈ દેસાઈ સુડોકુ, સ્વ.શશીકાંત જરદોશ રુબીક  ક્યુબ  તથા સ્વ. ડૉ ટોની નિકોલસ ચેસ પઝલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 6 વર્ષથી 82 વર્ષના 250 કરતાં વધારે સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.મુખ્ય મહેમાન સામાજિક કાર્યકર ભરતભાઈ શાહે જણાવ્યુ હતું કે, આ પ્રકારની બુદ્ધિ કસવાની રમતો દરેક વિદ્યાર્થી તથા બધાએ જ નિયમિત રીતે રમવી જોઈએ. તેના બંધાણી થઈ જવું જોઈએ તો ચોક્કસ મગજનો વિકાસ સારો થશે.

ડૉ બંકિમ દેસાઈએ જણાવ્યું હતું કે, “આજના ટીવી મોબાઈલ યુગમાં બધાં એ જ ડિજિટલ ડીટોક્સની ખૂબ જ જરૂરિયાત છે. અઠવાડિયામાં એક દિવસ તમામે ટીવી મોબાઇલથી દૂર રહી આ પ્રકારની બૌદ્ધિક રમતો રમવી જોઈએ. ચેસ પણ તમારા જીવનમાં તથા અભ્યાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.” ડૉ શેરીલ નિકોલસે જણાવ્યું કે, “આ પ્રકારની બૌદ્ધિક રમતોથી બાળકોના અભ્યાસમાં પણ ખૂબ જ સુધારો થાય છે તથા માનસિક વિકાસ પણ ઘણો સારો થાય છે.”આ સ્પર્ધામાં 13 વર્ષના અનીક મોમીને માત્ર 19 સેકંડમાં ક્યુબ સોલ્વ કર્યો હતો. આ પ્રસંગે હાજર રહેલ પંકજભાઈ વરિયાએ સ્પર્ધકોના ઉત્સાહથી પ્રભાવિત થઈ દરેક વિજેતાઓને પોતાના તરફથી પણ  ઇનામ આપ્યા હતા .

ચેસ પઝલ સ્પર્ધાથી આકર્ષાઈને 75 વર્ષના કિરણભાઈ શાહ આણંદથી ખાસ આ સ્પર્ધા રમવા આવ્યા હતા તથા વિજેતા પણ થયા હતા. ડૉ ચંદ્રેશ તથા હેમંતી જરદોશે આ ત્રણેય રોમાંચક સ્પર્ધાઓ ખૂબ જ સરળતાથી અને સહજતાથી પાર પાડી હતી.કેતન દેસાઈએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. સ્પર્ધાને અંતે દરેક વિજેતાઓને ઇનામ તથા ટ્રોફી સ્વર્ગસ્થના કુટુંબીજનોના હસ્તે આપવામાં આવ્યા હતા.રવિ રાંદલ પબ્લિકેશન , રાજૂલા , અમરેલી તરફથી ભેજા ફોડી, શબ્દ શતરંજ ,ફુલ ટાઈમ મનોરંજન, ક્રોસ વર્ડ, પઝલ સુપર સ્ટાર તથા ચાણક્ય મીડિયા હાઉસ, અમદાવાદ તરફથી ટાઇમપાસ , મગજમારી  ભેજામારી તથા શબ્દ સંગમ જેવા પઝલના મેગેઝીન દરેક  હાજર રહેલ વ્યકિતઓને ભેટમાં આપવામાં આવ્યા હતા.

(અરવિંદ ગોંડલિયા-સુરત)