સુરત: શહેરના’નક્ષત્ર સેફ હાઉસ’ લોકરનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આ કૌભાંડ પૂર્વ આયોજિત કાવતરૂ હોવાની માહિતી સામે આવી છે. લોક બ્રેકરની મદદથી ગ્રાહકોના લોકર તોડવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર મામલે પોલીસે પિતા-પુત્રો સહિત ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.
શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલી નક્ષત્ર સેફ હાઉસ બ્રાન્ચમાંથી ગ્રાહકોના અંદાજે ₹2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ગાયબ થયા છે. આ મામલે નવા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના સામાન્ય ચોરી નહીં પરંતુ પૂર્વઆયોજિત કાવતરાનો ભાગ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર સુરતમાં હાહાકાર મચાવી દીધો છે અને અન્ય શાખાઓમાં જે લોકોએ લોકરમાં પોતાના દાગીના મૂક્યા છે તેમનામાં પણ ભારે ચિંતા ફેલાઈ છે.
કરોડોનું સોનું હડપ કરવાનું કાવતરું
પોલીસ તપાસ મુજબ આ કૌભાંડમાં ગ્રાહકોના કિંમતી દાગીના ચોરી કરવાનો સુનિયોજિત પ્લાન બનાવવામાં આવ્યો હતો. નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા, તેમના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરા તેમજ લોકર બ્રેકર મણીલાલે મળીને આ કૌભાંડ આચર્યું છે. આરોપીઓએ ગ્રાહકોની ગેરહાજરીમાં અને તેમની જાણ બહાર લોકરો તોડાવી તેમાં રહેલા સોનાના દાગીના કાઢી વેચી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
સમાચાર વાયરલ થતાં લોકોમાં દોડધામ
આ કૌભાંડ સુરતની સિંગણપોર બ્રાન્ચમાં થયું હોવાની માહિતી સામે આવી છે. ચોરીના સમાચાર વિવિધ માધ્યમોમાં પ્રસરી જતાં નક્ષત્ર સેફ હાઉસની અન્ય શાખાઓમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને વરાછા બ્રાન્ચ ખાતે મોટી સંખ્યામાં લોકરધારકો પોતાના લોકરની સુરક્ષા ચકાસવા દોડી આવ્યા હતા. ઘણા લોકો કિંમતી દાગીના અને રોકડ રકમ તરત જ બહાર કાઢીને સાથે લઈ જતા હતા.
પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
કેટલાક ગ્રાહકોના લોકર ખોલવામાં ટેકનિકલ અડચણો આવતાં અને સંચાલકો તરફથી યોગ્ય જવાબ ન મળતાં સ્થિતિ વધુ વણસી હતી. વરાછા સેન્ટર પર ભારે હોબાળો અને અફરાતફરી મચી જતાં આખરે સ્થાનિક પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. જેટલા લોકર ધારકોના લોકર ખૂલ્યા તેઓ પોતાની રોકડ રકમ દાગીના સહિતનો સામાન લઈને નીકળી ગયા હતા.
CCTV ડેટા ડિલીટ થયાનો દાવો
આ સમગ્ર કૌભાંડ રમેશ વાઘાણી નામના શખ્સની ફરિયાદ બાદ સામે આવ્યું હતું. તેમણે અને તેમના પરિવારજનો 14 જુલાઈ, 2026ના રોજ સેફ વોલ્ટ ખાતે પહોંચીને CCTV ફૂટેજ જોવા માંગ કરી હતી. કલાકો સુધી ચાલેલી તપાસ દરમિયાન આરોપી હર્ષ દિયોરાએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીઓને જવાબ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બાદમાં તેણે CCTV બતાવવાનો ઇનકાર કરી હાર્ડ ડિસ્કમાંથી ડેટા ડિલીટ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાથી શંકા વધુ ગાઢ બનતાં ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસે પુરાવા કબજે કરી લોકોને અપીલ કરી
પોલીસે સેફ વોલ્ટમાંથી DVR, ડિજિટલ રજિસ્ટર તેમજ લોકર તોડવામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો કબજે કરવાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ વરાછા સહિત નક્ષત્ર સેફ હાઉસની અન્ય શાખાઓમાં પણ આવી જ રીતે લોકરો સાથે છેડછાડ અથવા ચોરી થઈ છે કે નહીં તે અંગે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે નક્ષત્ર સેફ હાઉસના તમામ લોકરધારકોને પોતાના લોકરની તાત્કાલિક તપાસ કરવાની તેમજ કોઈપણ પ્રકારની ગેરરીતિ જણાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની અપીલ કરી છે.




